૫ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૩૪૪.૨૭ કરોડ રૂપિયા,કોંગ્રેસે ૧૯૪.૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે

નવીદિલ્હી, રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે પંજાબ સહિત ૫ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૩૪૪.૨૭ કરોડ રૂપિયા જ્યારે કોંગ્રેસે ૧૯૪.૮૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ૨૦૧૭માં આ રાજ્યોમાં ભાજપે રૂ. ૨૧૮ કરોડથી વધુ અને કોંગ્રેસે રૂ. ૧૦૮ કરોડથી વધુ ખર્ચ કર્યા હતા.
ભારતમાં ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો પાણીની જેમ પૈસા ખર્ચે છે. ચૂંટણી પંચે ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરી છે, પરંતુ પક્ષો હંમેશા મત એકત્ર કરવા માટે નોટો ઉડાડવાનો જૂગાડ શોધી લે છે.
પાંચ રાજ્યોની તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોણે કેટલો ખર્ચ કર્યો તેની વિગતો રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને આપી છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર, માત્ર બે મુખ્ય પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પાંચ રાજ્યોમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.
રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર ભાજપે પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પર ૩૪૪.૨૭ કરોડ રૂપિયા જ્યારે કોંગ્રેસે ૧૯૪.૮૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ૨૦૧૭માં આ રાજ્યોમાં ભાજપે રૂ. ૨૧૮ કરોડથી વધુ અને કોંગ્રેસે રૂ. ૧૦૮ કરોડથી વધુ ખર્ચ કર્યા હતા.
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. નિયમો અનુસાર રાજકીય પક્ષોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રાખવો પડે છે. પાર્ટીએ પૈસા ક્યાં ખર્ચ્યા? તમે રોકડ, ચેક અથવા ડ્રાફ્ટ દ્વારા કેટલી ચૂકવણી કરી? આ તમામ હિસાબો રાખ્યા બાદ ચૂંટણી પંચને તેનો રિપોર્ટ આપવો પડે છે. જાે વિધાનસભાની ચૂંટણી હોય તો ૭૫ દિવસમાં અને જાે લોકસભાની ચૂંટણી હોય તો આ રિપોર્ટ ૯૦ દિવસમાં જમા કરાવવાનો હોય છે.
તાજેતરમાં યોજાયેલી આ ચૂંટણીઓમાં ખર્ચ કરવામાં ભાજપ સૌથી આગળ છે. ભાજપે આ વર્ષે પાંચ રાજ્યોની ચૂંટણીમાં ૩૪૪ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પાર્ટીએ સૌથી વધુ ૨૨૧.૩૧ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ભાજપે ૨૫૫ સીટો જીતી છે. તે મુજબ એક સીટની કિંમત લગભગ ૮૭ લાખ રૂપિયા પડી હતી.
૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે યુપીમાં ૧૭૫.૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ તેને ૩૧૨ સીટો મળી હતી. તે મુજબ ૨૦૧૭માં ભાજપને એક સીટ ૫૬ લાખમાં પડી હતી. પંજાબમાં ભાજપે આ વખતે ૩૬.૬૯ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જ્યારે ૨૦૧૭માં ભાજપે પંજાબમાં ૭.૪૩ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ગત વખત કરતા આ વખતે ૫ ગણો વધુ ખર્ચ કરવા છતાં ભાજપ પંજાબમાં માત્ર ૨ સીટો જીતી શકી.
એટલે કે અહીં એક સીટની કિંમત ૧૮ કરોડ રૂપિયાથી વધુ છે.એ જ રીતે ભાજપે ગોવામાં ચૂંટણી પ્રચાર પર ૧૯.૦૬ કરોડ રૂપિયા ખર્ચ્યા. ત્યાં તેણે ૨૦ સીટો જીતી. તે મુજબ, ગોવામાં ભાજપ માટે એક સીટની કિંમત ૯૫.૩૩ લાખ રૂપિયા છે. ઉત્તરાખંડમાં ભાજપ માટે એક સીટનો ખર્ચ લગભગ ૯૩ લાખ રૂપિયા છે. ત્યાં પાર્ટીએ ૪૭ સીટો જીતી હતી. કોંગ્રેસનો ખર્ચ ભાજપ કરતા અડધો છે.
કોંગ્રેસે આ વર્ષે પાંચ રાજ્યોમાં ૧૯૪.૮૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એટલે કે કોંગ્રેસે પાંચેય રાજ્યોમાં જે ખર્ચ કર્યો તેના કરતાં ભાજપે એકલા ઉત્તર પ્રદેશમાં વધુ ખર્ચ કર્યો. ગયા વર્ષે, કોંગ્રેસે પાંચ રાજ્યો (પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી)ની ચૂંટણીમાં આશરે રૂ. ૮૫ કરોડનો ખર્ચ કર્યો હતો.
જાે કે આ વર્ષે લગભગ ૧૯૫ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી પણ કોંગ્રેસ એક પણ રાજ્યમાં સરકાર બનાવી શકી નથી. પાંચ રાજ્યોની ૬૮૦ સીટોમાંથી કોંગ્રેસ માત્ર ૫૬ સીટો જ જીતી શકી. તે મુજબ એક સીટ માટે તેમને ૩.૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો.
આ વર્ષે યોજાયેલી પાંચમાંથી ચાર રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જાેકે, પાર્ટીને પંજાબમાં જ ફાયદો થયો. પંજાબમાં આમ આદમી પાર્ટીએ ૧૧૭માંથી ૯૨ બેઠકો જીતીને સરકાર બનાવી છે. ગોવામાં, પાર્ટીએ ૨ બેઠકો પર ચૂંટણી જીતી.તે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક પણ બેઠક જીતી શકી ન હતી. આ વર્ષે પાંચ રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૧.૩૨ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. તેણે પંજાબ અને ગોવામાં સૌથી વધુ ખર્ચ કર્યો. પંજાબમાં પાર્ટીએ ૬.૨૩ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
અહીં તેણે ૯૨ સીટો જીતી હતી. તે મુજબ પંજાબમાં આમ આદમી પાર્ટી માટે એક સીટનો ખર્ચ લગભગ ૬.૭૮ લાખ રૂપિયા છે. ગોવામાં, તેમણે ૩.૪૯ કરોડ રૂપિયા ખર્ચ્યા અને માત્ર ૨ સીટો જીતી શક્યા. તે મુજબ ગોવામાં એક સીટની કિંમત ૧.૭૪ કરોડ રૂપિયાથી વધુ છે.HS1MS