દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૯૩૦ નવા કેસ નોંધાયા
કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૧,૧૯,૪૫૭ પર પહોંચી ગયો: દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૩૨ ટકા છે
નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૯૩૦ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૧૪,૬૫૦ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. તે સિવાય છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩૫ લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૧,૧૯,૪૫૭ પર પહોંચી ગયો છે.
દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૩૨ ટકા છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા છે. બુધવારે અહી કોરોનાના નવા ૩૧૪૨ કેસ નોંધાયા હતા. મુંબઈમાં ૬૯૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૯૯૮૧ પર પહોંચી ગઈ છે. થાણે જિલ્લામાં કોરોનાના ૩૫૮ નવા કેસ નોંધાયા પછી, અહીં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૭,૩૦,૪૨૭ થઈ ગઈ છે.
તમિલનાડુમાં કોરોનાના ૨,૭૪૩ નવા કેસ નોંધાયા છે. મેડિકલ બુલેટિનમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૯૧ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. ચેન્નઈમાં ૧,૦૬૨ નવા કેસ નોંધાયા છે.
દિલ્હીમાં કોરોના વાયરસના ૬૦૦ નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે પોઝિટીવી રેટ ઘટીને ૩.૨૭ ટકા થઈ ગયો છે. દિલ્હીમાંકુલ કેસોની સંખ્યા વધીને ૧૯,૩૮,૬૪૮ થઈ ગઈ છે અને મૃત્યુઆંક ૨૬,૨૭૬ પર પહોંચી ગયો છે. મંગળવારે કોરોનાના નવા ૬૧૫ કેસ નોંધાયા હતા જ્યારે ત્રણ લોકોના મોત થયા હતા. દિલ્હીમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ૨,૫૯૦ છે.