Western Times News

Gujarati News

નેશનલ ગેમ્સના છેલ્લા બે દાયકામાં ગુજરાતને કુલ ૫૨ મેડલ્સ મળ્યા

અમદાવાદ, ગુજરાતમાં આજે દિન-પ્રતિદિન સ્પોર્ટ્‌સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યશકલગી ઉમેરાઈ રહી છે. કોમનવેલ્થ ગેઇમ્સ હોય કે ઓલિમ્પિક્સ રમતો. નેશનલ ગેમ્સ હોય કે એશિયન ગેમ્સ કે પછી વૈશ્વિક કક્ષાનો રમતોત્સવ. ગુજરાતને અગ્રિમ હરોળમાં લાવી રહ્યા છે આપણા પ્રતિભાવંત ખેલાડીઓ.

એક સમયે રમતગમત ક્ષેત્રની સ્પર્ધાઓમાં ઉદાસ અને નિરાશાજનક પ્રદર્શન કરનાર ગુજરાતમાં આ ક્ષેત્રમાં ક્રાંતિક્રારી પરિવર્તન ક્યારે આવ્યું? રમતગમતની માળખાકીય સુવિધાઓમાં ગુજરાતનો સૂર્યોદય ક્યારે અને કેવી રીતે થયો? આવા અનેક સવાલોના જવાબ છે ૧૨ વર્ષ પહેલાના ગુજરાત પાસે. ૨૦૧૦ આ એ જ વર્ષ છે, જેણે ગુજરાતના ઈતિહાસમાં પોતાનું અસ્તિત્વ કાયમ માટે અંકિત કરી નાખ્યું.

આ એ જ વર્ષ છે, જ્યારે હાલના દીઘર્દ્રષ્ટા પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં પ્રથમ વખત કોઈ રાજ્યકક્ષાના રમતોત્સવની શરૂઆત કરાવી. જી હાં, વાત થઈ રહી છે ખેલ મહાકુંભની.

રાજ્યના ખેલાડીઓની આંતરિક સુષુપ્ત શક્તિ ખીલે તેમજ છેક ગ્રામીણ સ્તરેથી પણ પ્રતિભાશાળી ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લેતા થાય – તેવા શુભ આશયથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૧૦માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી.

સપનાના આ બીજ આજે વિશાળ વટવૃક્ષ તરીકે આકાર પામી રહ્યા છે. ખેલ મહાકુંભની શરૂઆતથી ગુજરાતમાં ખેલક્રાંતિની શરૂઆત થઈ, રમતગમત ક્ષેત્રને મુખ્ય પ્રવાહમાં લાવવાનો ઉદ્દાત અને ભગીરથ પ્રયાસ થયો. ૨૧ રમતો સાથે શરૂ થયેલા ખેલ મહાકુંભ પહેલા રમતગમત ક્ષેત્રે ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી તેના પર એક મેરેથોન નજર કરીએ.

વેપાર-વાણિજ્ય, સ્વાદિષ્ટ ખાણીપીણી તથા પ્રવાસનમાં સતત ઓતપ્રોત એવા ગુજરાતી ખેલાડીઓ રમતગમતમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આંગળીના વેઢે ગણાય તેટલી જ સિદ્ધિઓ મેળવી શક્યા હતા.

રાજ્યમાં કોઈ સ્પોર્ટ્‌સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ન્હોતું જ, પરંતુ રમતગમતને કારકિર્દી તરીકે જાેવામાં પણ ઉદાસીન વલણ સેવાતું હતું. આ સાથે જ ચોંકાવનારી હકીકત એ છે કે, ખેલ મહાકુંભની શરૂઆત થઈ તેના એક દાયકા પહેલા નેશનલ ગેમ્સમાં (વર્ષ ૧૯૯૯) ગુજરાતે માત્ર એક જ ગોલ્ડ મેળવીને સંતોષ માન્યો હતો.

ત્યારબાદ વર્ષ ૨૦૦૧માં ફક્ત એક જ બ્રોન્ઝ મેડલ મેળવીને સંતોષ મેળ્વ્યો હતો અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે પહેલીવાર વર્ષ ૨૦૦૭માં ૩ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ મેડલ એમ કુલ ૧૯ મેળવ્યા હતા. એક સમય એવો હતો કે જ્યારે રમતની દુનિયામાં ગુજરાતની ઓળખ માત્ર એક કે બે રમતોના ભરોસે જ ટકી રહી હતી.

આનું પરિણામ એ આવ્યું કે ગુજરાતના ગૌરવ અને ઓળખ સાથે જાેડાયેલી રમતોને ભૂલી જવામાં આવી. પરંતુ દીઘર્દ્રષ્ટા વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત થકી તેને પાવર બુસ્ટર મળતા આજે રમતગમત ક્ષેત્રે ગુજરાતે અનેક આયામો સર કર્યા છે.

ખેલમહાકુંભ દ્વારા ગુજરાત પ્રતિભાશાળી રમતવીરો તેમજ યુવાનોમાં ખેલદિલી અને રમતગમત ક્ષેત્રની મહત્વકાંક્ષાઓને સર કરવા માટે યોગ્ય માળખાકીય સુવિધાઓ, જરૂરી તાલીમ તથા પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે. અને તેના પરિણામ સ્વરૂપે ગુજરાતના શાળા-કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓથી માંડીને દરેક વ્યક્તિ ખેલમહાકુંભમાં જાેડાઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફીટ ઇન્ડિયા’ ના સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે. ખેલમહાકુંભની શરૂઆત પછી ગુજરાત રાજ્યની રમતગમત ક્ષેત્રે જાણે કાયા પલટ થઈ ગઈ છે.

ગુજરાત રાજ્યના રમતવીરો ઓલિમ્પિક ગેમ્સ, પેરાઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ તથા નેશનલ ગેમ્સમાં ધરખમ સિદ્ધિઓ મેળવી રહ્યા છે. અને જાે નેશનલ ગેમ્સની વાત કરીએ તો છેલ્લા બે દાયકામાં ગુજરાતના રમતવીરોએ કુલ બાવન (૫૨) જેટલા ચંદ્રકો જીતીને કિર્તીમાન સ્થાપ્યા છે.

વર્ષ ૨૦૧૧માં રાંચીમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં ૩ સિલ્વર અને ૪ બ્રોન્ઝ એમ કુલ ૭ મેડલ મેળવ્યા તથા વર્ષ ૨૦૧૫માં કેરળમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં ૧૦ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ અને ૬ બ્રોન્ઝ એમ કુલ ૨૦ મેડલ મેળવીને ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ મેળવીને સમગ્ર ભારતમાં ૯માં ક્રમે આવ્યું હતું. માત્ર એક શોખ તરીકે જેની ગણના થતી હતી, તે રમતગમત ક્ષેત્રમાં હવે ગુજરાતીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કીર્તિમાન સ્થાપિત કરીને મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરી રહ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રમતગમત ક્ષેત્ર માટે બજેટમાં સતત વધારાના કારણે નેશનલ ગેમ્સનું આયોજન શક્ય બન્યું છે. વર્ષ ૨૦૦૨માં રૂ. ૨.૫ કરોડની સરખામણીમાં આજે રમતગમત માટેનું આશરે રૂ. ૨૫૦ કરોડનું ભવ્ય બજેટ ફાળવવામાં આવ્યું છે.

હવે જ્યારે ગુજરાતમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અંતર્ગત એકા અરેના થકી બનેલા ટ્રાંસ્ટેડીયા જેવા ગુજરાતના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગરના અત્યાધુનિક વિશાળ સ્ટેડિયમમાં દેશભરના અંદાજિત ૮૦૦૦ રમતવીરોને ૩૬ રમતો રમવાનો અવસર પ્રાપ્ત થશે. રમતગમત ક્ષેત્રે પારદર્શક, અસરકારક, સમાવેશી તથા દરેકને સમાન તકો મળે તેમ પ્રોત્સાહક સ્પોર્ટ્‌સ ઇકો સીસ્ટમ સ્થાપવા પર ગુજરાત રાજ્યની રમતગમત નીતિ ભાર આપી રહી છે.

જેના દ્વારા એકંદરે રાજ્યના માનવ પ્રદર્શન સૂચકઆંકને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. વિકાસ અને શાંતિ માટે રમતગમત એવા ટકાઉ વિકાસના લક્ષ્યાંક (૨૦૩૦) દ્વારા વૈશ્વિક ધ્યેયને સિદ્ધ કરવામાં રાજ્ય પણ પોતાનું અનોખું યોગદાન આપવામા સફ્ળતા મેળવશે. દેશનો સૌથી પ્રતિષ્ઠિત અને વૈવિધ્યસભર રમતોત્સવ આપણા ગુજરાતમાં પ્રથમ વખત રમાઈ રહ્યો છે, ત્યારે ગુજરાત નેશનલ ગેમ્સના શ્રેષ્ઠ યજમાન બનવાની સાથે સૌથી વધુ ચંદ્રકો જીતીને વિક્રમની નવી ક્ષીતિજાેના સર્જનમાં થોડી પણ ઢીલ નહીં રાખે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.