Western Times News

Gujarati News

છેલ્લા બે વર્ષમાં મહેસાણા અને અમદાવાદમાં દરોડા પાડી ઘઉં અને ચોખાનો જથ્થો રાજ્યસાત કરાયો

રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો લાભાર્થી સુધી જ પહોંચે તેવી વ્યવસ્થા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની ખાસ તપાસ દળની રચના કરી છે

ખાદ્યાન્ન અને ખાદ્ય તેલ અંગે દરોડા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો લાભાર્થી સુધી જ પહોંચે તેવી વ્યવસ્થા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. In the last two years, raids were carried out in Mehsana and Ahmedabad and quantities of wheat and rice were confiscated

તે માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર ગોડાઉનો તથા વ્યાજબી ભાવની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ પણ હાથ ધરવામાં આવે છે અને ગેરરીતિના કિસ્સાઓમાં પરવાના રદ કરવા ઉપરાંત ગુના દાખલ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે છે.

તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં પાડવામાં આવેલા દરોડાની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં એક દરોડો પાડી રૂ.૩.૫૩ લાખના ઘઉંનો ૧૬,૦૬૦ કિલોનો જથ્થો તથા રૂ.૫.૨૩ લાખના ચોખાનો ૨૨,૭૮૦ કિલોનો જથ્થો રાજ્યસાત કરી

એક વ્યક્તિની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેવી જ રીતે અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૬ દરોડા પડી રૂ.૯૦ હજારના ઘઉંનો ૫,૧૨૩ કિલોનો જથ્થો તથા રૂ.૧.૦૭ લાખના ચોખાનો ૫,૧૭૫ કિલોનો જથ્થો રાજ્યસાત કરી ૯ વ્યક્તિઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે.

ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવી છે.

આ એસ.આઈ.ટીની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે. આ SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ SIT રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકશ્રીને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીને રજૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.