અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પાવર-ટેરીફ સહાય યોજના હેઠળ રૂ. ૩૨.૩૭ કરોડની ચુકવણી કરાઈ

વીવીંગ પ્રવૃતિમાં ૫ વર્ષ સુધી એલ.ટી.પાવર કનેક્શન ધરાવતા એકમોને રૂ. ૩ પ્રતિ યુનિટ તથા એચ.ટી.પાવર કનેકશન ધરાવતા એકમોને રૂ. ૨ પ્રતિ યુનિટની પાવર ટેરીફ સહાય
આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાત ટેક્ષટાઈલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે અમદાવાદ જિલ્લામાં પાવર-ટેરીફ સહાય યોજના હેઠળ કુલ ૭૫ ક્લેઈમ અરજીઓ મંજુર કરવામાં આવી છે, જે અંતર્ગત રૂ. ૩૨.૩૭ કરોડની પાવર-ટેરીફ સહાયની ચુકવણી કરવામાં આવી છે.
ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે સહાય યોજના-૨૦૧૯ જાહેર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ એમ.એસ.એમ.ઈ. એકમોને ૬ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે, તેમજ લાર્જ કક્ષાના એકમોને તેમના દ્વારા પુરી પાડવામા આવતી રોજગારીને ધ્યાને લઇ ૪ થી ૬ ટકા સુધીની વ્યાજ સહાય આપવામા આવે છે.
તેમણે ઉમેર્યું કે વીવીંગ પ્રવૃતિમાં એલ.ટી.પાવર કનેક્શન ધરાવતા એકમોને ૫ વર્ષ સુધી ૩ રૂપિયા પ્રતિ યુનિટ તથા એચ.ટી.પાવર કનેકશન ધરાવતા એકમોને ૫ વર્ષ સુધી ૨ રૂપિયા પ્રતિ યુનિટની પાવર ટેરીફ સહાય તેમજ અન્ય ટેક્ષટાઈલ પ્રવૃતિમાં ૨ રૂપિયા પ્રતિ યુનિટની પાવર ટેરીફ સહાય આપવામાં આવે છે.
ઊર્જા સંરક્ષણ, જળ સંરક્ષણ અને પર્યાવરણલક્ષી સહાય વિશે મંત્રીશ્રીએ કહ્યું કે ઊર્જા સંરક્ષણ, જળ સંરક્ષણ અને પર્યાવરણલક્ષી અનુપાલન માટે માન્ય ખર્ચના ૨૦ ટકા લેખે મહતમ રૂ. ૩૦ લાખની સહાય તથા ઊર્જા અને પાણી ઓડીટ માટે ૫૦ ટકા સુધી મહત્તમ રૂ. ૧ લાખની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત એકમને યોજનાના કાર્યકાળ દરમિયાન ટેકનોલોજી સંપાદન માટે મૂડીરોકાણના ૫૦ ટકા સુધીની મહત્તમ રૂ. ૨૫ લાખની નાણાકીય સહાય આપવામાં આવશે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે ટેક્ષટાઇલ પાર્ક સ્થાપિત કરવા માટે સહાય અંતર્ગત સામૂહિક સવલતો અને માળખા માટેની કુલ પરિયોજનાનાં ૨૫ ટકા લેખે મહત્તમ રૂ. ૧૫ કરોડની નાણાંકીય સહાય તેમજ પાર્કના ડેવલોપર દ્વારા પાર્ક માટે કરાયેલ જમીનની ખરીદી પર ભરેલ ૧૦૦ ટકા સ્ટેમ્પ ડયૂટી પરત કરવામાં આવશે. આ ઉપરાંત પાર્કમાં પ્રથમ પ્લોટ ખરીદનારને ખરીદી પર ભરેલા ૧૦૦ ટકા સ્ટેમ્પ ડયૂટી પરત કરવામાં આવશે તેમજ પાર્કમાં ન્યુનત્તમ ૧૦૦ કે તેથી વધુ કામદારો માટે બનાવવામાં આવતી ડોરમેટરીના ૨૫ ટકા લેખે મહત્તમ રૂ. ૭.૫ કરોડની નાણાકીય સહાય પણ આપવામાં આવશે.
પેટા પ્રશ્નની વિગતો આપતા ઉદ્યોગ મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યની સમગ્ર ટેક્ષટાઇલ વેલ્યૂ ચેઇનને મજબૂત કરવા, રોજગારીની તકો ઉભી કરવા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી- ૨૦૨૪’ની જાહેરાત કરવામાં આવી હતી.
આ પોલિસી અંતર્ગત ગુજરાત સરકારે ખાસ કરીને ગાર્મેન્ટ અને એપેરલ્સ તેમજ ટેક્નિકલ ટેક્સટાઈલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ નીતિ હેઠળ ટેક્ષટાઇલ એકમોને પ્રથમ વખત કેપીટલ સહાય ૧૦ થી ૩૫ ટકા, મહિલાઓ માટે ગ્રામ્ય સ્તરે રોજગારીની તકો ઉભી કરવા માટે સ્વસહાય જૂથ-SHGને પ્રથમ વખત સહાય તેમજ PM મિત્રા પાર્કમાં સ્થપાતા એકમોને મહત્તમ સહાય આપવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.