ગુજરાતના આ જિલ્લામાં યોજાય છે -વ્યંઢળ સમાજના અનોખા ગરબા

વેજલપુરના અખાડામાં છેલ્લા ૧૭ વર્ષથી ગરબાનું આયોજન થાય છે અને વ્યંઢળ સમાજે પણ પોતાની ભારતીય સંસ્કૃતિને આજે પણ યથાવત
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર સ્થિત વ્યંઢળ સમાજનો અખાડો આવેલો છે અને અહીં વસતા વ્યંઢળ સમાજના લોકો કોઈ મોટા કલાવૃંદના ગીતોથી ગરબાની નહીં રમઝટ બોલાવતા પરંતુ વ્યંઢળ સમાજના લોકો જ પોતે જ પોતાના સુરમાં ગરબાઓ રજૂ કરી ગરબા ની રમઝટ બોલાવી રહ્યા છે જે લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
માં જગદંબાની આરાધનો પર્વ એટલે આસો નવરાત્રી અને આસો નવરાત્રિમાં ગરબાના રંગે રંગાવા યુવા ધન ઉત્સુક હોય છે.પરંતુ ભરૂચ જીલ્લામાં વસતા વ્યંઢળ સમાજના લોકો પોતાના અખાડામાં જ માં જગદંબાની સાચી આરાધના કરવામાં મગ્ન બન્યા છે.
આ અખાડામાં કોઈ કલાવૃંદ નથી પરંતુ અખાડાના મોભી વ્યંઢળ સમાજના કોકીલાબા કુંવર નાયક પોતે જ પોતાના સુરમાં ગરબાઓની રમઝટ રજૂ કરી રહ્યા છે.કોકીલા કુંવરના સુરીલા અવાજમાં ગરબા રમવાની અનુભૂતિ જ કંઈક અલગ હોવાનો અનુભવ પણ ખેલૈયાઓ કરી રહ્યા છે.
અખાડામાં થતા ગરબામાં માત્ર સમાજના જ લોકો નહીં પરંતુ આજુબાજુના યુવાનો અને યુવતીઓ પણ મન મૂકીને ગરબાનો આનંદ માણતા હોય છે અને મોટા ગરબા આયોજનમાં જે રીતે કલાવૃંદો હોય છે.
તેના કરતાં પણ અલગ અખાડામાં વ્યંઢળ સમાજના લોકો કલા વૃંદ તરીકે જાતે જ ગરબાની સુરવાળી રેલાવતા હોય છે અને તેમના સુરીલા અવાજમાં ગરબાની રોનક મોડી રાત સુધી જામતી હોય છે.
વેજલપુરના અખાડામાં છેલ્લા ૧૭ વર્ષથી ગરબાનું આયોજન થાય છે અને વ્યંઢળ સમાજે પણ પોતાની ભારતીય સંસ્કૃતિને આજે પણ યથાવત રાખી છે અને પોતાના જ સૂરિલા અવાજમાં ગરબાઓ રજૂ કરી ખેલૈયાઓને ગરબાની મજા પુરી પાડી રહ્યા છે.માત્ર સમાજના જ લોકો નહીં પરંતુ આસપાસના લોકો પણ ગરબાની રોનક જમાવી રહ્યા છે.