Western Times News

Gujarati News

આ રાજ્યમાં દિવાળી બાદ હવે હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર

પ્રતિકાત્મક

(એજન્સી)લખનૌ, જો તમે યૂપીમાં રહો છો તો આ સમાચાર તમારા છે. રંગોના તહેવાર હોળી પર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી પર મફત રસોઇ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. તેનાથી પ્રદેશના ૧.૭૫ કરોડથી વધુ પરિવારોને સીધો ફાયદો થશે.

જોકે, આ મફત સિલિન્ડર સરકારના તે એલાનનો બીજો તબક્કો છે, જેમાં વર્ષમાં ૨ ફ્રી એલપીજી સિલિન્ડર આપવાનો વાયદો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં દિવાળી પર પણ યોગી સરકારે ઉજ્જવલા લાભાર્થીઓને ફ્રી સિલિન્ડર આપ્યા હતા. ૨૦૨૩-૨૪ના બજેટમાં આ યોજના માટે ૨૩૧૨ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૧૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ ઉજ્જવલા લાભાર્થીઓ સાથે મળીને આ યોજના શરૂ કરી હતી, જે અંતર્ગત સબસિડીની રકમ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હવે હોળીના અવસર પર બીજો મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકારની આ જાહેરાતથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની હોળી વધુ રંગીન બની જશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ નાણાકીય વર્ષમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ૩૦૦ રૂપિયાની સબસિડી આપી રહી છે. આ સિવાય ઉત્તર પ્રદેશ સરકાર હોળી અને દિવાળી દરમિયાન મફત એલપીજી સિલિન્ડર (રિફિલ) આપીને લોકોને રાહત આપી રહી છે.

યોજનાના પ્રથમ તબક્કા અંતગર્ત દિવાળીના તહેવાર માટે લાભાર્થીઓને મફત સિલિન્ડરનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ક્રમમાં ૧ નવેમ્બર, ૨૦૨૩ થી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીમાં કુલ ૮૦.૩૦ લાખ લાભાર્થીઓને સિલિન્ડર રિફિલ પહોંચાડવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં હવે હોળીના તહેવાર નિમિત્તે લાભાર્થીઓને મફત સિલિન્ડરનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંતર્ગત ૨ જાન્યુઆરી ૨૦૨૪થી અત્યાર સુધીમાં લગભગ ૫૦.૮૭ લાખ લાભાર્થીઓને સિલિન્ડર રિફિલની ડિલીવરી કરવામાં આવીછે. આમ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૩૧.૧૭ લાખ (૧.૩૧ કરોડથી વધુ) સિલિન્ડર રિફિલ કરવામાં આવ્યા છે. ૧૦ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ યોજનાની શરૂઆત કરતી વખતે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક સાથે લાખો ઉજ્જવલા લાભાર્થીઓના ખાતામાં સબસિડીની રકમ ટ્રાન્સફર કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.