આ રાજ્યમાં કોંગ્રેસે ત્રણ અને ભાજપે એક બેઠક જીતી
રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જીત્યા છે. જ્યારે એક બેઠક ભાજપના ફાળે ગઈ છે. કોંગ્રેસ પાર્ટી તરફથી અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર જીત્યા છે. જ્યારે એક બીજેપીના નારાયણ બંદીગેએ જીત મેળવી છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પણ ક્રોસ વોટિંગ પણ થયું હતું. કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય એસટી સોમશેકરે ક્રોસ વોટિંગ કર્યું હતું.
જ્યારે શિવરામ હબ્બર મતદાનથી દૂર રહ્યા હતા. ચૂંટણીમાં ભાજપને ૪૮ વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૧૩૯ અને જેડીએસને ૩૫ વોટ મળ્યા હતા. કર્ણાટકમાં અપક્ષ ધારાસભ્યો જનાર્દન રેડ્ડી, લથા મલ્લિકાર્જુન, પુટ્ટસ્વામી ગૌડા અને દર્શન પુટ્ટનૈયાએ કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં મતદાન કર્યું હતું. રાજ્યસભાની ૧૫ બેઠકો પર આજે મતદાન થયું હતું. જેમાં ઉત્તર પ્રદેશમાં ૧૦, કર્ણાટકમાં ૪ અને હિમાચલ પ્રદેશમાં એક બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.