Western Times News

Gujarati News

ઉમરગામમાં સગીર પ્રેમીએ પ્રેમિકાના ચાર માસના બાળકની હત્યા કરી

સુરત, વલસાડના ઉમરગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, એક સગીર બોયળેન્ડે પોતાની પ્રેમિકાના ૪ માસના બાળકની હત્યા કરી નાંખી છે.

પ્રેમિકાની ગેરહાજરીમાં બાળકની હત્યા કરી પ્રેમીએ બાળક પડી જતાં મોત થયું હોવાનું જૂઠ્ઠાણું ચલાવ્યું હતું. જોકે, અંતિમવિધિ પછી પ્રેમી ભાગી જતાં પ્રેમિકાએ પોલીસમાં શંકા વ્યક્ત કરતાં બાળકની લાશ ખોદી પોસ્ટમોર્ટમ કરતાં ભંડો ફૂટ્યો હતો. આખરે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર પ્રેમીને ઉત્તરપ્રદેશથી પકડી પાડ્યો હતો.

ઉમરગામ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશની મૂળ વતની મહિલા તેના ચાર માસના પુત્ર સાથે ઉમરગામની ગાંધીવાડીમાં સગીર બોયળેન્ડ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. ગત ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મહિલા કપડાં ખરીદવા બજાર ગઈ હતી અને બાળકને ઘરે બોયળેન્ડ પાસે મૂકી ગઈ હતી.

આ દરમિયાન સગીર બોયળેન્ડે બાળકને બાથરૂમમાં જમીન ઉપર પછાડીને તેની હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં તેણે બાળક રમતા-રમતા પડી જવાથી મૃત્યુ પામ્યું હોવાનું જણાવ્યું હતું અને પ્રેમી મહિલાની સાથે પડોશીઓની મદદથી બાળકનો મૃતદેહ દફનાવી દીધો હતો. બીજા દિવસે સવારે બોયળેન્ડ ઘરેથી ભાગી જતાં પ્રેમિકાને શંકા ઉદભવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

એટલે પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કઢાવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેમાં માથામાં ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાનું સત્ય સામે આવ્યું હતું.પોલીસે કાયદાના સંઘર્ષમાં આવી હત્યા નીપજાવનારા સગીર પ્રેમીને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો હતો.

પૂછપરછમાં તેણે કબૂલ્યું કે પોતે મહિલા અને તેના પુત્રથી કંટાળી ગયો હતો. બાળક તેનો ન હોવા છતાં તેને સાચવવો પડતો હતો અને તેના પરિવારજનો પણ આ સંબંધને સ્વીકારવા તૈયાર ન હતા. આ કારણે તેણે બાળકની હત્યા કરી નાંખી હતી. હાલમાં ઉમરગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.