વડોદરા જિલ્લામાં 397 સ્થળોએ સફાઇ કરી ૨૩૧૦ કિલો કચરાનો કરાયો નિકાલ

જિલ્લાના વિવિધ ગામોમાં થયેલી સફાઇ ઝૂંબેશમાં ૩૮૮૬ નાગરિકોએ પણ શ્રમદાન કર્યું
વડોદરા, વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન રંગ લાવી રહ્યું છે. ગામેગામ વિવિધ જાહેર સ્થળોની સફાઇ કરવા માટે નાગરિકો પણ સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે. આ અભિયાન હેઠળ જિલ્લામાં એક જ દિવસમાં ૩૯૭ સ્થળોએ સફાઇ કામગીરી કરી ૨૩૧૦ કિલો જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે જણાવ્યું કે, રવિવારના રોજ ૩૯૭ સ્થળોએ થયેલી સફાઇ ઝૂંબેશમાં ૩૮૮૬ નાગરિકોએ પણ શ્રમદાન કર્યું હતું. તેમની સાથે ૩૪૮ જેટલા સ્વચ્છતાકર્મીઓ પણ જોડાયા હતા.
વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા શાળા પરિસર, પંચાયત કચેરી, નદીનાળા, માર્ગો, પાણીના સ્ત્રોતો, ટાંકા, પ્રતિમાઓ સહિતની સફાઇ કરી સુંદર કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકો સફાઇકર્મમાં શ્રમદાન કરવા જોડાઇ રહ્યા છે.