વડોદરામાં ચાર જિલ્લાના કલેક્ટરો સાથે CEO પી. ભારતીની સમીક્ષા બેઠક
મતદાર યાદીની વિસ્તૃત સમીક્ષા કરી નવા મતદારોની મહત્તમ નોંધણી કરવા ઉપર ભાર મૂકતા સીઇઓ
વડોદરા, આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી. ભારતીએ વડોદરા ખાતે ચાર જિલ્લાની મતદાર યાદી બાબતે સમીક્ષા બેઠક યોજી કલેક્ટરશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નવા મતદારોની મહત્તમ નોંધણી થાય એ વિષય ઉપર ભાર મૂક્યો હતો. In Vadodara with four district collectors, CEO P. Bharti’s review meeting
મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી. ભારતી સવારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં ધારાસભા હોલમાં વડોદરા ઉપરાંત છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લાના કલેક્ટરશ્રી ઉપરાંત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને લોકસભાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં તેમણે કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એ માટે મતદારયાદીની સુધારણા ખૂબ જ અગત્યની છે અને આ માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મતદારોના વિવિધ હેતુંના ફોર્મ સ્વીકારી તેના આધારે મતદારયાદીમાં નવા નામ દાખલ કરવા, બદલવા, સુધારવા કરવા કે કમી કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી રહી છે. આનો લાભ મહત્તમ નાગરિકો લાભ લઇ પોતાના નામની ચકાસણી કરે એ જરૂરી છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રીયામાં નવા મતદારો મહત્તમ ભાગ લે એ જરૂરી છે. આ માટે શાળા, મહાશાળાઓમાં મતદાર તરીકેની નોંધણી માટેની ઝૂંબેશ થાય એવા કાર્યક્રમનું આયોજન કરવું જોઇએ. ખાસ કરીને યુવતીઓ પણ યોગ્ય પ્રમાણમાં ફોર્મ ભરી જે તે વિસ્તારના મતદાર બને એ પ્રકારે ઝૂંબેશ ચલાવવાની છે.
સુશ્રી પી. ભારથીએ આ ઉપરાંત મતદારયાદીની ભાગપ્રમાણેની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે મહત્વના મુદ્દાઓ ઉપર અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે નોંધવું જોઇએ કે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા આ વખતની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ ૩૩ જિલ્લાઓને ૧૦ પ્રભાગમાં વહેંચી તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. તે અનુક્રમમાં અમદાવાદ, રાજકોટ બાદ આજે વડોદરા ખાતે આ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વડોદરાના કલેક્ટર શ્રી અતુલ ગોર, દાહોદના કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, નર્મદાના કલેક્ટર સુશ્રી શ્વેતા તેવટિયા, છોટાઉદેપુરના કલેક્ટર સુશ્રી સ્તુતી ચારણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.