વિલાયતી બિરલા ગ્રાસિમ કંપનીમાં પગારના મુદ્દે કર્મચારીઓએ હલ્લો મચાવ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાયબર પ્લાન્ટમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ કંપની સામે હંગામો મચાવી કંપનીની પોલીસીને લઈને હૂરિયો બોલાવ્યો હતો.કંપનીમાં ૮ થી ૧૦ વર્ષથી ફરજ બજાવતાં કર્મચારીઓને કંપની દ્વારા દર વર્ષે બોનસ અને ઈન્સેન્ટીવ આપવાના માત્ર વચનો અપાતાં હોવાથી રોષે ભરાયેલા કર્મચારીઓએ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે લાંબા સમયથી કંપની માટે અથાગ મહેનત કરવા છતાં કંપની દ્વારા કર્મચારીઓને પ્રમોશન પણ અપાતું નથી.જેના પગલે કર્મચારીઓએ એકસંપ થઈ શુક્રવારના રોજ કંપની ખાતે હંગામો મચાવવાની ફરજ પડી હતી.
કર્મચારીઓ દ્વારા આંદોલન છેડતા એક તબક્કે વાતાવરણ ગરમાય તેવી આશંકા વચ્ચે પોલીસને બોલાવી લેવાતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.જાેકે કર્મચારીઓએ પહેલાં દિવસે મોડી રાત્રી સુધી માત્ર સુત્રોચ્ચાર કરીને કંપની પોલીસીનો હૂરિયો બોલાવ્યો હતો.પરંતુ મોડી રાત્રિએ કંપની મેનેજમેન્ટ દ્વારા બે દિવસમાં નિરાકરણ લાવવાની લેખિતમાં બાહેંધરી આપતા કર્મચારીઓએ આંદોલન સમેટી લીધું હતું.તો બીજી બાજુ બે દિવસમાં નિરાકરણ નહિ આવે તો પ્રોડક્શન બંધ કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
તો બીજી તરફ કંપનીના મેનેજમેન્ટ દ્વારા આંદોલન કરી રહેલા કર્મચારીઓને બે દિવસમાં નિરાકરણ લાવવાની લેખિત બાંહેધરી આપવામાં આવતા હલ પૂરતું આંદોલન તો સમેટાય ગયું હતું.પરંતુ જાે બે દિવસમાં નિરાકરણ નહિ આવે તો પુનઃ આંદોલન ઉગ્ર બની શકે છે અને કંપનીમાં પ્રોડક્શન બંધ કરવામાં આવે તેવી ચર્ચાઓ એ જાેર પકડ્યું છે.ત્યારે કંપની મેનેજમેન્ટ કર્મચારીઓની માંગનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે.