સ્ત્રી સશક્તિકરણ કપમાં મોરટુંડા પ્રા. શાળાનાં શિક્ષિકા તન્વી પટેલને બેસ્ટ બેટ્સવુમન ખિતાબ
સુરત, તાજેતરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઓલપાડ તાલુકાનાં માસમા ગામ સ્થિત HNV ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જે ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો.
સદર ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઓલપાડ અને ઉમરપાડા વચ્ચે રમાઇ હતી. જેમાં ઓલપાડની ટીમનો 9 વિકેટે ભવ્ય વિજય થયો હતો. ફાઇનલ મેચમાં ઓલપાડ તાલુકાની મોરટુંડા પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા તન્વી પટેલે બેસ્ટ બેટ્સવુમન તરીકેનો ખિતાબ મેળવ્યો હતો.
તેમનાં આ દેખાવને શાળાનાં આચાર્ય તેજસ ખલાસી, સ્ટાફગણ, બાળકો તેમજ વાલીજનોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.