AMC અર્બન-કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં અપૂરતી ફાયર સેફટી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/11/dariyapur-urban-1024x729.jpg)
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે ઘ્વારા છેલ્લા એક દાયકા થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ફાયર સેફટી અંગે અનેક માર્ગદર્શન આપવામાં આવ્યા છે. પરંતુ નઘરોળ તંત્ર તક્ષશિલા કે ગેમઝોન જેવા અકસ્માત બાદ જ જાગૃત થાય છે.
રાજકોટ ની દુર્ઘટના બાદ અમદાવાદ મનપા ઘ્વારા ફાયર સેફટી ની ચકાસણી શરૂ કરવામાં આવી છે જેમાં ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના હેલ્થ સેન્ટરો કે જ્યાં નાગરિકો સારવાર લેવા માટે જાય છે ત્યાં જ નાગરિકો ની સલામતી માટે કોઈ સુવિધાઓ નથી. શહેરના અનેક અર્બન હેલ્થ સેન્ટરો માં ફાયર સેફટીનો અભાવ છે.જે અંગે વિપક્ષ કોંગ્રેસ ઘ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કોંગ્રેસપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પો. ના ૮૫ જેટલા અર્બન હેલ્થ સેન્ટર અને ૯ જેટલા કોમ્યુનીટી હેલ્થ સેન્ટર કાર્યરત છે તેમાં નવાઈજનક બાબત એ છે કે, કેટલાંક અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ફાયર નોર્મ્સ મુજબની ફાયર સેફટી સીસ્ટમ લગાવવામાં આવી નથી. અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ફાયર એલાર્મ નથી
જયારે કેટલાંક અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં અગ્નિશામક સાધનો જ નથી. અમુક અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ઈમરજન્સી એકઝીટ નથી તેમજ કેટલાંક અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરની ફાયર સેફટી સીસ્ટમની એન.ઓ.સી. પણ રીન્યુ કરાવેલ નથી.
જેથી મ્યુ.તંત્ર પોતે જ ફાયર સેફટીના નિયમોનો છડેચોક ભંગ કરી રહી છે જે ખુબ જ ગંભીર બાબત છે. આવા સમયે ફાયર સેફટી સીસ્ટમ નહી હોવાને કારણે કોઇ આગની દુઃધટના સર્જાય તો મોટા પ્રમાણમાં જાનહાની થાય તેવી પુરેપુરી સંભાવના છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇન્ડિયા કોલોની, નોબલ નગર, આંબલી, બોપલ, બોડકદેવ, લાંભા, મિરઝાપુર, મદનીનગર, દુધેશ્વર, ઓઢવ, નિકોલ, નવા વાડજ, નવરંગપુરા,નારણપુરા, સાબરમતી સહિતના અર્બન હેલ્થ સેન્ટરમાં ઈમરજન્સી એક્ઝિટ, ફાયર એલાર્મ, ફાયર એક્ઝીક્યુશન નથી. તાજેતરમાં રાજકોટ ખાતે ટીઆરપી મોલના ગેમઝોનમાં થયેલ દુઃધટનાને લઇને આગ લાગે
ત્યારે કુવો ખોદવા જવા ટેવાયેલું મ્યુ.તંત્ર ગેમ ઝોન, મોલ, સ્કુલો, હોસ્પિટલો વિ.માં ફાયર સેફટી સીસ્ટમ છે ? રીન્યુ કરાવેલ છે ? કાર્યરત છે ? જેવી બાબતોની તપાસ કરે છે પરંતુ મ્યુ.કોર્પોનું તંત્ર પોતાની માલીકીના સંકુલમાં ફાયર સેફટી બાબતે જ દુ;લક્ષ સેવે છે.