Western Times News

Gujarati News

સનાથલ જંક્શન રેલવે ઓવરબ્રિજનું ૧૦મીએ લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોલાથી લોકોને રૂ.૧૧૦.૭૭ કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે

અમદાવાદ, આપણું અમદાવાદ સ્માર્ટ સિટીતો બન્યું જ છે, આની સાથે વિકાસની દિશામાં સતત હરણફાળ ભરી રહ્યું છે. આકાશને આંબતાં હાઈરાઈઝ બિલ્ડિંગ કહો કે પછી લોકોની સુવિધામાં વધારો કરતા નિતનવા પ્રોજેક્ટની સત્તાવાળાઓ તરફથી અપાતી ભેટ ગણો, પરંતુ શહેર વધુને વધુ લવેબલ અને લિવેબલ સિટી બનતું જાય છે તેમાં કોઈ બેમત નથી. હવે ઔડા સત્તાવાળાઓ દ્વારા એસ.પી.રિંગરોડ પર સનાથલ ખાતે રેલવે ઓવરબ્રિજ તૈયાર કરાયો છે, જેનું આગામી તા.૧૦ માર્ચે લોકાર્પણ થવાનું હોઈ હજારો વાહનચાલકોનાં સમય-શક્તિ અને ઈંધણની બચત થવાની છે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરીજનોને સમયાંતરે નવા નવા બ્રિજ પ્રોજેક્ટની સગવડ અપાતી જાય છે. રોડ પરના ફ્લાય ઓવરબ્રિજ કહો કે રેલવે લાઈન સહિતની શહેર ફરતે કે મધ્યમાંથી પસાર થતી વિવિધ રેલવે લાઈન પરના અંડરપાસ સહિતના પ્રોજેક્ટ ગણો પણ તેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ પાછવ તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને શહેરમાં દિન-પ્રતિદિન વિકટ બનતી જતી ટ્રાફિક જામની સમસ્યા સામે લોકોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ઔડા સત્તાવાળાઓ દ્વારા પણ અવનવા બ્રિજ પ્રોજેક્ટથી વાહનચાલકોને ટ્રાફિકની અવરજવરમાં સરળતા કરી આપવાની દિશામાં પ્રયાસો થતા રહે છે. આ પ્રયાસના એક ભાગરૂપે હવે સનાથલ જંક્શન ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવાયો હોઈ તેનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. અમદાવાદ અને રાજકોટ રાજ્યનાં બે મુખ્ય શહેરો છે, જેમાં અમદાવાદ અને રાજકોટ તરફ આવતા-જતા માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધારે રહે છે.

સનાથલ જંક્શનની નજીક અમદાવાદ-સરખેજ-મોરૈયા રેલવે લાઈન પરના ફાટક નં.૩૩ પર પણ ખૂબ ટ્રાફિક રહે છે એટલે ઔડા દ્વારા રિંગરોડ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૮એના જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાના આશયથી આ બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો, જેનો કોન્ટ્રાક્ટ રચના કન્સ્ટ્રક્શન કંપનીને અપાયો છે, જેમાં ડેલ્ફ કન્સલ્ટિંગ (ઈન્ડિયા) પ્રા.લિ.ને કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને પીએમસી તથા રેલવે વિભાગના પીએમસી તરીકે રાઇટસ લિમિટેડને ફરજ સોંપાઈ છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને આ અંગે પૂછતાં તેઓ કહે છે, ઔડાના સરદાર પટેલ રિંગરોડ પરના સનાથલ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ- કમ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ તા.૧૦ માર્ચે થશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આશરે રૂ.૧૧૦.૭૭ કરોડના ખર્ચે કુલ નવ પ્રોજેક્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી વચ્ર્યુઅલી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોલાથી આ તમામ જનલક્ષી પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરશે.

શેલા ગામ ખાતેના ગામતળમાં ઔડા દ્વારા સુએજ નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશનની કામગીરી રૂ.૫.૬૮ કરોડના ખર્ચે પૂર્ણ કરાઈ છે, જેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સનાથલ જંક્શનના રેલવે ઓવરબ્રિજનો નિર્માણખર્ચ રૂ.૯૬.૮૧ કરોડ હોઈ ઔડા દ્વારા આ બંને પ્રોજેક્ટ પાછળ કુલ રૂ.૧૦૨.૪૯ કરોડ ખર્ચાયા છે તેમ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ વધુમાં જણાવે છે.

તેઓ વધુ માહિતી આપતાં જણાવે છે કે મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં નવી પાંચ સ્માર્ટ સ્કૂલ તેમજ સિનિયર સિટીઝન માટેના બે રિક્રિએશન પાર્ક મળીને કુલ સાત નવા પ્રોજેક્ટનું પણ આ બંને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ થવાનું છે. મ્યુનિ.તંત્ર દ્વારા આ તમામ પ્રોજેક્ટ પાછળ રૂ.૮.૨૮ કરોડનો ખર્ચ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.