Western Times News

Gujarati News

થરાદ ખાતે શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ

થરાદ શિવનગરની હાથ વણાટની કલાનો વિકાસની નેમ વ્યક્ત કરતા અધ્યક્ષ

(માહિતી બ્યુરો, પાલનપુર) થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. દિવાળીના તહેવાર પહેલાં થરાદ સહિત સમગ્ર રાજ્યમાં ૧૫૫ જેટલાં નવા ભોજન કેન્દ્રો શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ રાજ્ય સરકાર અને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આજે થરાદમાં શ્રમિકો માટે બે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં કુલ-૭ ભોજન કેન્દ્રો શરૂ કરાયા છે. “અન્ન દાન એ મહાદાન છે” એ વાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે શ્રમિકો માટે ભોજન કેન્દ્રો શરૂ કર્યા છે. આજે ધન તેરસના દિવસે થરાદમાં ઐતિહાસિક કામ શરૂ કર્યુ છે.

થરાદમાં પોલીસ સ્ટેશન નજીક વર્ષો જુના રસ્તાના પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. આ મહિનામાં થરાદના વિકાસ માટે રૂ. ૮ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે. અધ્યક્ષશ્રીએ થરાદ શિવનગરની હાથ વણાટની કલા નો વિકાસની નેમ વ્યક્ત કરતા કહ્યું કે શિવનગરની બહેનો દ્વારા કરવામાં આવતા ભરત-ગુંથણની કલા નો વિકાસ કરવો છે.

આ કલાના વિશ્વવ્યાપી વિકાસ માટે ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત થરાદની બહેનોએ બનાવેલી સાડીથી કરવામાં આવ્યું હતું એવી જ રીતે તાજેતરમાં અંબાજી ખાતે પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત પણ થરાદની બહેનો એ બનાવેલા ખેસ થી કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે થરાદ તાલુકાને કુપોષણ મુક્ત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અભિયાન ઉપાડ્યું છે. તેમણે કહ્યું કે, બીડી, દારૂ, સિગારેટ કોઈપણ પ્રકારનું વ્યસન માણસની પ્રગતિને અવરોધે છે ત્યારે તેનાથી દૂર રહી પરમાત્માએ આપેલા આ મહામૂલા દેહનું જતન કરી તેને સાચવીએ તથા નવા વર્ષે વ્યસનોને તિલાંજલિ આપવા સંકલ્પબદ્ધ બનીએ. થરાદમાં નજીકનાં સમયમાં લાયબ્રેરી શરૂ કરવામાં આવશે તથા આવનારા ડિસેમ્બર મહિનામાં નર્મદાના નીરથી ગામના તળાવો ભરવાનું પણ આયોજન છે.

રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે યોજાયો હતો. આજે બનાસકાંઠા જિલ્લામાં કુલ- ૭ બુથ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં થરાદ ખાતે બળીયા હનુમાન ચોક અને આંબેડકર ચોક, પાલનપુર ખાતે કોઝી કડીયાનાકા અને મીરાગેટ બહાર, કાણોદર ગામમાં, ડીસા ખાતે સરદાર બાગ અને હવાઇ સ્તંભ ખાતે શ્રમિકો માટે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા જૂન-૨૦૧૭ થી શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત માત્ર રૂ. ૫/- માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજના આપવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.