૧.૩૪ કરોડના ખર્ચે બનેલા પુસ્તકાલયનું નાણાં મંત્રીના હસ્તે લોકાર્પણ
લાઈબ્રેરીની જાળવણી માટે ધારાસભ્ય-ફંડમાંથી દર વર્ષે રૂ. ૫ લાખ આપવાની જાહેરાત કરતા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વાંચનની સુવિધા મળી રહે તે માટે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ મળી કુલ રૂ. ૧ કરોડ ૩૪ લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટરનું તા. ૧૬ જુલાઈ ૨૦૨૩ને રવિવારે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લાઈબ્રેરીના લોકાર્પણ સમારંભના અધ્યક્ષ અને રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, કોઈપણ વહીવટી તંત્ર કેવી રીતે ચાલે છે તેનો આધાર વહીવટ કેવી રીતે થાય તેના પર હોઈ છે. સરકારી કામો કરવા માટે આયોજન થાય છે કે કેટલા પૈસા ક્યાં ખર્ચાવા જાેઈએ.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી વહીવટકર્તાઓ નક્કી કરે છે કે, જે વિસ્તારમાં સૌથી વધુ જરૂરિયાત છે તેવા કામો થવા જાેઈએ તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ આ લાઈબ્રેરી છે. આપણા આયોજનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પોકેટ ગાર્ડન, લાઈબ્રેરીની સાથે સાથે વિશાળ જનહિતને ધ્યાનમાં લઈ આરોગ્ય અને શિક્ષણની સુવિધાનો પણ સમાવેશ કરવો જાેઈએ.
શિક્ષણ એ કોઈપણ સમાજ કે દેશના વિકાસ માટેનું અગત્યનું માધ્યમ છે. અંગ્રેજાે ભારત પર રાજ કરવા આવ્યા ત્યારે તેઓએ સૌ પ્રથમ આપણી રામાયણ અને મહાભારત કાળથી ચાલી આવતી ગુરૂકુળની શિક્ષણ પદ્ધતિ બદલી નાખી દેશને ગુલામ બનાવી દીધો હતો.
હાલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે જે અનુસાર દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળશે અને સારો નાગરિક બનશે. આ નવી લાઇબ્રેરીમાં સરકારી નોકરી માટે અને પોતાની અભિવ્યક્તિ માટે વાંચન કરશે તો ભવિષ્યમાં સારા વ્યક્તિ, નેતા અને શિક્ષક બની શકશે. જેથી બીજા તાલુકામાં પણ લાઈબ્રેરી બને તે માટે વહીવટીતંત્ર પ્રયાસ કરશે તેની ખાતરી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે જણાવ્યું કે, સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકામાં લાઈબ્રેરીનો અભાવ હતો જે ખોટ આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અથાગ પ્રયત્નોથી આજે પુરી થઈ છે અને કપરાડા તાલુકાને અદ્યતન સુવિધા સાથેની લાઈબ્રેરી મળી છે. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આ લાઈબ્રેરી ખૂબ જ ઉપયોગી બનશે.
કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે,આજે જ્ઞાનનો દિવસ ખુલ્યો છે. ભવિષ્યના વિઝન માટે લાઈબ્રેરી બનાવી છે. જેમાં ધો.૧ થી લઈને ૧૨ સુધી તેમજ ત્યારબાદ જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઈબ્રેરી જીવન ઘડતર સમાન બનશે. શિક્ષા અને જ્ઞાન થકી દેશની પ્રગતિ થશે.
ખજાનાનો ભંડાર પુસ્તકોમાં છે. ગાંધીનગરમાં મેં જાેયું છે કે, સરકારી નોકરીની પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનો સવારે ૬ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી લાઇબ્રેરીમાં વાંચતા હોઈ છે. કપરાડાને લાઈબ્રેરીની ભેટ મળી છે પરંતુ તેની જાળવણી અને નિભાવની જવાબદારી આપણા સૌની છે. લાઈબ્રેરીના મેઇન્ટેનન્સ માટે હું ધારાસભ્ય ફંડમાંથી દર વર્ષે રૂ. ૫ લાખ આપીશ એવી જાહેરાત શ્રી ચૌધરીએ કરતા તાળીઓના ઘડઘટાડથી તેમને વધાવી લેવાયા હતા.