સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગર દ્વારા બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનનો પ્રારંભ
(પ્રતિનિધિ)ગાંધીનગર, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ‘કડી સર્વ વિશ્વવિદ્યાલય’ ગાંધીનગર ખાતે બે દિવસીય સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનનું આયોજન સેકટર-૧૨માં આવેલ ‘સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર’ કેમ્પસ ખાતે તારીખ ૬ અને ૭ જાન્યુઆરી ૨૦૨૩ના દિવસોમાં કરવામાં આવ્યું. જેમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની વિવિધ કોલેજાેના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ૧૨૦ જેટલાં મોડલ્સ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શનીનું ઉદઘાટન સર્વ વિદ્યાલયના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ, ગુજકોસ્ટ અને સાયન્સ સીટી, અમદાવાદના એડવાઈઝર નરોત્તમ સાહુ, કડી સર્વ વિશ્વવિદ્યાલયનાં કુલપતિ ડૉ. ગાર્ગી રાજપરા, સંસ્થાના દાતા ડૉ. વિઠ્ઠલભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, એમ.એમ. પટેલ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કેયુર શાહ,ના હસ્તે કરવામાં આવ્યું હતું.
સર્વ વિદ્યાલયના ચેરમેન વલલ્ભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, આયોજિત વિજ્ઞાન પ્રદર્શનીમાં સાયન્સ અને ટેકનોલોજીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ૧૨૦ જેટલા લાઈવ મોડલ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. આ વિજ્ઞાન પ્રદર્શની દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રુચી જાગૃત થશે તેમજ તેઓમાં પ્રકૃતિ અને ટેકનોલોજીના સંબંધો વચ્ચે સજગ બનશે.
ગુજકોસ્ટ અને સાયન્સ સીટીના એડવાઈઝર ડૉ. નરોત્તમ સાહુએ કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરીને વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તે અભિનંદનીય છે. અહીં પ્રસ્તુત કરાયેલાં મોડલ્સમાં પ્રાકૃતિક ઉપકરણો અને ઔષધિઓનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે.
સર્વ વિદ્યાલય દ્વારા આયોજિત બે દિવસીય સાયન્ય એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશનનું સફળ સંચાલન શ્રી એમ.એમ. પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રદર્શની પુનઃ ૯ અને ૧૦ જાન્યુઆરી ૨૦૨૨૩ના રોજ કડી મુકામે સર્વ વિદ્યાલય કેમ્પસમાં ખાતે યોજવામાં આવશે.