Western Times News

Gujarati News

આવકવેરા ફેસલેસ આકારણી પ્રથાનો અમલ શરૂ-કરદાતાઓની મુશ્કેલીઓનો આવશે અંત

આવકવેરા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણતી માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાનો સુચારુ અમલ શરૂ, તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ, કરદાતાઓની મુશ્કેલીઓનો આવશે અંતઃ પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ સુશ્રી છાવી અનુપમ

અમદાવાદ, રાજ્યના પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ સુશ્રી છાવી અનુપમે જણાવ્યું છે કે, માનવ સંપર્ક રહિત કર આકારણીની અમલમાં મૂકાયેલી નવી પ્રણાલી ખૂબ ટૂંક સમયમાં કાર્યક્ષમ રીતે પરિણામો આપતી થઇ જશે. ફેસલેસ એસસમેન્ટ ઓફ ઇન્કમ ટેક્સ પર પીઆઇબી,આરઓબી તેમજ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આજે યોજાયેલા વેબીનારમાં ચાવીરૂપ વક્તવ્ય આપતાં એમણે કહ્યું કે સમય, શક્તિ અને સંસાધનોના બચાવ માટે નવી આકારણી પ્રથા ઐતિહાસિક રીતે ક્રાંતિકારી પગલું સાબીત થશે. એક પ્રશ્નના જવાબમાં સુશ્રી છાવી અનુપમે કહ્યું કે, દૂરસદૂરના વિસ્તારમાં રહેતાં કરદાતાઓને આવકવેરા કચેરીના ધક્કા હવે બંધ થઇ જશે

અને કેટલાંક મનસ્વી અધિકારીઓ દ્વારા થતી કનડગતનો આ પ્રથાથી સંપૂર્ણ અંત આવશે. વેબીનારમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ગુજરાત વિભાગના વડા, પીઆઇબી અને આરઓબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. ધીરજ કાકડિયાએ ઇલેક્ટ્રોનિક આકરણી એટલે શું? અને તેમાં કરદાતા અને આવકવેરા વિભાગ વચ્ચેનાં સંદેશા વ્યવહારની પધ્ધતિઓ જેવીકે ઇમેલ, વિડિયો કોન્ફરન્સિંગ, મોબાઇલ એપ, ડોક્યુમેન્ટેશન અપલોડીંગ ઓન પોર્ટલ વગેરેની સમજ આપી હતી.

તારીખ 13 ઓગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આકારણી પ્રથાનો અમલ શરૂ કરાવતી વેળાએ આપેલ વક્તવ્ય વેબીનારમાં સહભાગીઓને ફરી સંભળાવવામાં આવ્યું હતું. શ્રી મોદીએ ટેક્સટેરરનો અંત આવશે તેની છણાવટ આ વક્તવ્યમાં કરી હતી.

જુનાગઢના એડવોકેટ અને ટેક્સ ટુડે ન્યુઝ પેપરના એડિટર શ્રી ભવ્ય પોપટ, રાજકોટના અગ્રણી સીએ શ્રી મેહુલ રાણપુરા, જુનાગઢના સિનિયર ટેક્સ પ્રેક્ટિશનર શ્રી કલ્પેશ રૂપારેલીયા તેમજ રાજકોટના ટેક્સ કન્સલટન્ટ શ્રી રણજીત લાલચંદાનીએનવી આકારણી પ્રણાલી વિશે પોતાના મંતવ્યો આપવાની સાથે વિષયવસ્તુની છણાવટ કરી તેમનું વક્તવ્ય આપ્યું હતું. ઇન્કમ ટેક્સ વિભાગના વરિષ્ઠ અધિકારી શ્રી રાજ ટંડને અમલમાં મૂકાયેલ નવી આકારણી પ્રથાને પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત રીતે સમજાવી હતી. ટેક્સ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ આ ક્ષેત્રના વિશેષજ્ઞોએ નવી આકારણી પ્રથાના લાભોને લોકો સમક્ષ મૂકતાં જણાવ્યું કે, દેશની વિકાસયાત્રામાં સરકારનું આ એક બહું મોટું પગલું છે.

કરદાતાને સન્માન અને સુરક્ષા પ્રદાન કરવાની દિશામાં લેવાયેલ પગલું આવનાર દિવસોમાં ચોક્કસથી ઐતિહાસિક સાબિત થશે. વેબીનારના અંતમાં યોજાયેલ પ્રશ્નોત્તરી અને સંવાદના તબક્કામાં વેબીનારમાં જોડાયેલ સહભાગીઓએ પોતાના મંતવ્યો રજૂ કરવાની સાથે નવી ટેક્સ પ્રણાલીને લઇને તેમના મનમાં રહેલા પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેનો ઇન્કમ ટેક્સ વિભાગના અગ્રણી અધિકારી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો.

સોશ્યલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર આ વેબીનારનું લાઇવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય અને દેશભરમાંથી લોકો જોડાઇ શક્યા હતાં અને આ નવી કર આકારણી પ્રથા વિશે સમજ સાથે માર્ગદર્શન પામી શક્યા હતાં. સમગ્ર વેબીનારનું ફિલ્ડ આઉટરીચ બ્યુરો,જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ સુચારુ રીતે સંચાલન કર્યું હતું. વિશેષજ્ઞો દ્વારા ઉંડાણપૂર્વક વિષયવસ્તુની છણાવટ સાથે આપેલ માર્ગદર્શન અને વેબીનારમાં સહભાગીઓના રસપૂર્વક ભાગ લેવાથી આ વેબીનાર સફળ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.