ઇન્કમ ટેક્સ વિભાગે ઇન્ડિગોને ૯૪૪ કરોડનો દંડ ફટકાર્યાે

કંપનીએ દંડના આદેશને ખોટો ગણાવ્યો
આવકવેરા વિભાગે ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનને આ અંગેની નોટિસ આપી હતી
નવી દિલ્હી,આવકવેરા વિભાગે દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોને રૂ. ૯૪૪ કરોડનો દંડ ફટકાર્યાે છે. આવકવેરા વિભાગે ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનને આ અંગેની નોટિસ આપી હતી. જો કે, કંપનીએ દંડના આદેશને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તે તેને પડકારશે. એક નિયમનકારી ફાઇલિંગમાં ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગના મૂલ્યાંકન એકમે એસેસમેન્ટ યર ૨૦૨૧-૨૨ માટે રૂ. ૯૪૪.૨૦ કરોડનો દંડ લાદવાનો આદેશ પસાર કર્યાે છે.
એરલાઇને જણાવ્યું હતું કે આ આદેશ ખોટી સમજણ પર પસાર કરવામાં આવ્યો છે કે કંપની દ્વારા આવકવેરા કમિશનર (અપીલ) (CIT(A)) સમક્ષ કલમ ૧૪૩ (૩) હેઠળ એસેસમેન્ટ ઓર્ડર સામે દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દેવામાં આવી છે, જ્યારે મામલો હજુ પણ પેન્ડિંગ છે અને નિર્ણય આવવાનો બાકી છે.ઇન્ડિગોએ આ દાવાઓને ફગાવતા કહ્યું હતું કે, આ નિર્ણય ખોટો છે અને તેમાં કાનૂની યોગ્યતાનો અભાવ છે. એરલાઇને યોગ્ય કાનૂની માધ્યમો દ્વારા આદેશને પડકારવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કરીને ન્યાયિક પ્રક્રિયામાં પોતાના વિશ્વાસ પર ભાર મૂક્યો હતો.
કંપની દ્રઢપણે માને છે કે આવકવેરા વિભાગ દ્વારા પસાર કરાયેલો આદેશ કાયદા અનુસાર નથી અને ભૂલભરેલો છે. તદનુસાર કંપની તેનો વિરોધ કરશે અને ઉપરોક્ત આદેશ સામે યોગ્ય કાનૂની ઉપાયો લેશે. તેથી ઉપરોક્ત આદેશ કંપનીની નાણાકીય સ્થિતિ, કામગીરી અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ નોંધપાત્ર અસર કરશે નહીં.