પાડોશીએ મહિલાનું બોગસ બેંક ખાતુ ખોલાવી કરોડોનું ટ્રાન્ઝેકશન કર્યુ
પાડોશી મહિલાની જાણ બહાર દસ્તાવેજા ચોરી બેંકમાં બોગસ ખાતુ ખોલાવી રૂ.૪૧ કરોડથી વધુનું ટ્રાન્ઝેકશન કરાયું – ઈન્કમટેક્ષ વિભાગની નોટિસ મળતા જ મહિલા ચોંકી ઉઠી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ઘટનાઓ વચ્ચે નરોડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે જેમાં એક મહિલાના ઓળખ પુરાવાની ચોરી કરી તેની જાણ બહાર બેંકમાં ખાતુ ખોલાવી તેમાં કરોડો રૂપિયાના વ્યવહાર કરી કરચોરી કરવાની ચોંકાવનારી ઘટના ઘટી છે ઈન્કમટેક્ષ વિભાગે બેંક ખાતાના નંબરના આધારે ખાતેદારને નોટિસ મોકલાવતા સમગ્ર ષડયંત્ર બહાર આવ્યું છે.
ઈન્કમટેક્ષ આસીસ્ટન્ટ કમિશ્નર સમક્ષ આ મહિલા જાતે જ હાજર થઈ સમગ્ર હકીકત જણાવતા અને ઈન્કમટેક્ષે રજુ કરેલા તમામ બેંકના દસ્તાવેજા બોગસ હોવાનું ખાતેદારે જણાવતા જ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર ષડયંત્રમાં આ મહિલાનો એક પાડોશી યુવક સહિત કુલ ૪ શખ્સોની સંડોવણી બહાર આવી છે. અને આ તમામને ઝડપી લેવા માટે નરોડા પોલીસે કવાયત શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના નરોડા વિસ્તારમાં પંચતીર્થ સોસાયટીમાં રહેતા શિલ્પાબહેન મનીષભાઈ અમીનની સોસાયટીમાં જ પંકજભાઈ રામી કરીને એક વ્યક્તિ રહે છે થોડા સમય પહેલા પંકજભાઈ રામી તેની ભાણી વંદના રામી માટે ભાડાનું મકાન શોધતા હતા આ દરમિયાન પંકજ રામીએ શિલ્પાબેનને વાત કરતા શિલ્પાબેને જણાવ્યું હતું કે તેમના મકાનમાં ઉપરનો માળ ખાલી પડેલો છે જેથી તમારી ભાણીને ત્યાં રહેવા મોકલી દો જેના પગલે પંકજ રામીની ભાણી વંદના રામી તેનો પતિ દિનેશ અને બે વર્ષનો પુત્ર શિલ્પાબેનના મકાનમાં ઉપરના માળે ભાડે રહેવા આવ્યો હતો. આ પરિવાર એક વર્ષ જેટલો સમય અહીયા ભાડે રહયા હતા અને ત્યારબાદ તેઓ જતા રહયા હતા.
મકાન ભાડે આપ્યા બાદ તાજેતરમાં જ એક ચોંકાવનારી ઘટના ઘટી હતી તા.૧/૩/૧૯ના રોજ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા શિલ્પા મનીષભાઈ અમીનને નોટિસ પાઠવવામાં આવી હતી અને તેમાં તેમના નામના બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન થયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ઈન્કમટેક્ષ વિભાગની નોટિસ મળતા જ શિલ્પાબેન ગભરાઈ ગયા હતા તેમનું આ એકાઉન્ટ નહી હોવાથી તેમની સાથે કોઈએ છેતરપીંડી આચરી હોવાનું માલુમ પડયું હતું આખરે તેમણે ઈન્કમટેક્ષ વિભાગ સમક્ષ હાજર થવાનો નિર્ણય કર્યો હતો.
ઈન્કમટેક્ષની નોટિસનો જવાબ આપવા માટે શિલ્પાબેન અમીન જાતે જ આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ઈન્કમટેક્ષ કવિતાબેન યાદવને મળ્યા હતા. શિલ્પાબેને મહિલા અધિકારીને આ બેંક ખાતુ તેમનુ નહી હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું તેના જવાબમાં ઈન્કમટેક્ષ ઓફિસરે શિલ્પાબેન મનીષભાઈ અમીનના બાપુનગર ખાતે આવેલી રેણુકા માતા મલ્ટીસ્ટેટ અર્બન ક્રેડીટ કો.ઓ. સોસાયટીમાં ખોલવામાં આવેલા શિલ્પાબેનના ખાતાની વિગતો અને દસ્તાવેજા રજુ કર્યાં હતાં દસ્તાવેજા જાતા જ શિલ્પાબેન ચોંકી ઉઠયા હતાં તેમણે જણાવ્યું હતું કે બેંકનું ખાતુ ખોલવા માટે કરવામાં આવેલી સહી તથા અંગુઠાનું નિશાન તેમનું નથી આ ઉપરાંત બેંકના ખાતામાં રજુ કરવામાં આવેલો ફોન નંબર પણ તેમનો નથી જેના આધારે ઈન્કમટેક્ષ વિભાગે તપાસ કરતા આ ફોન નંબર પંકજભાઈ રામીના નામનો હોવાનું જાણવા મળ્યું હતું અને પંકજ રામી પણ નરોડા પંચતીર્થ સોસાયટીમાં જ રહે છે.
ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીએ શિલ્પાબેનને પંકજ રામી વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે હા તેઓ તેમને ઓળખે છે અને તેમની સોસાયટીમાં જ રહે છે. ંપંકજ રામીનું નામ આવતા જ શિલ્પાબેન ચોંકી ઉઠયા હતા અને તેમણે આશંકા વ્યકત કરી હતી કે પંકજ રામીની ભાણી તેમના મકાનમાં ભાડે રહેતી હતી તે દરમિયાન તેણે શિલ્પાબેનના દસ્તાવેજાની ચોરી કરી હશે અને તેનો ઉપયોગ ક્રેડીટ સોસાયટીમાં ખાતુ ખોલવામાં કર્યો હોવો જાઈએ.
ઈન્કમટેક્ષ વિભાગે રજુ કરેલા દસ્તાવેજા બોગસ હોવાનું જણાવતા જ અધિકારીઓ પણ સતર્ક બની ગયા છે. પંકજ રામીએ જ શિલ્પાબેનનું બોગસ સહીઓ ખાતુ ખોલાવ્યુ હોવાનું બહાર આવતા જ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પંકજ રામીએ આ ખાતુ ખોલાવ્યા બાદ તેમાં પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો જેના પરિણામે બેંકમાં થતાં ટ્રાન્ઝેકશનની સંપૂર્ણ વિગતો તેના મોબાઈલ નંબર પર આવતી હતી જેથી શિલ્પાબેનને આ ખાતાની કોઈ ખબર જ ન હતી.
પંકજ રામીએ શિલ્પાબેનના નામે ક્રેડીટ સોસાયટીમાં ખાતુ ખોલાવી તેમાં કુલ રૂ.૪૧.રર કરોડનું ટ્રાન્ઝેકશન કરેલુ છે. પંકજ રામીએ કરચોરી કરવાના બહાને આ બોગસ ખાતુ ખોલાવ્યુ હતું અને કરચોરીની સંપૂર્ણ જવાબદારી શિલ્પાબેનના માથે આવી પડે તેવુ ષડયંત્ર રચ્યું હતું. શિલ્પાબેને ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ સમક્ષ સંપૂર્ણ હકીકતો રજુ કરી દેતા આખરે ચોંકાવનારા આ ષડયંત્રની ફરિયાદ નોંધાવવામાં આવી છે. શિલ્પાબેને આ અંગે તેમની જ સોસાયટીમાં રહેતા પંકજ રામી તથા તેની ભાણી વંદના રામી, ભાણીનો પતિ દિનેશ રામી તથા નિલેશ કેશવલાલ દવે નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓએ શિલ્પાબેન અમીન ઉપરાંત અન્ય કેટલાક નાગરિકોના પણ આવી જ રીતે બોગસ ખાતા ખોલાવી તેમાં ટ્રાન્ઝેકશન કર્યું હોવાનું આશંકા સેવાઈ રહી છે જેના પગલે ઈન્કમટેક્ષ વિભાગે પણ સઘન તપાસ શરૂ કરી દીધી છે. બીજીબાજુ નરોડા પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી છે.