સુરતની જાણીતી ડાઈંગ મિલ અને ત્રણ કોલસાના વેપારીઓની ઓફિસે ઈન્કમ ટેક્સના દરોડા
સુરતના કાપડ અને કોલસા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ -100થી વધુ અધિકારીઓ દ્વારા સાગમટે 20 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
(પ્રતિનિધિ) સુરત, રાજ્યમાં લોકસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ જ ઈન્કમ ટેક્સ વિભાગ હરકતમાં આવતાં શહેરના ઉદ્યોગપતિઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આજે શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઐશ્વર્યા ગ્રુપ અને કોલસાના વેપારીઓને ત્યાં ઈન્કમ ટેક્સ વિભાગના સાગમટે દરોડોની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
100થી વધુ અધિકારી – કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. બીજી તરફ એશ્વર્યા ડાઈંગ મિલ સહિત 20 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં અગ્રણી સંસ્થા ઐશ્વર્યા ડાઈંગ મિલ અને તેને ઈમ્પોર્ટેડ કોલસો પુરો પાડતાં વેપારીઓને ત્યાં આઈટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. રમેશ ડુમસિયાના નિવાસ સ્થાન સહિત તમામે તમામ ઔદ્યોગિક સ્થળોએ તથા ડુમસ રોડ પર મોન્ટેકા હાઈટ્સ ખાતે આવેલ કોલસાના વેપારીઓના ઓફિસ અને ઘરો પર આઈટીના અધિકારીઓ વહેલી સવારે ત્રાટક્યા હતા.
20 સ્થળે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે સમગ્ર શહેરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ઈન્કમ ટેક્સના દરોડાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.
બીજી તરફ જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં પહેલી વખત આયાતી કોલસાનો વેપાર કરનારા વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહીને પગલે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે બેનામી વ્યવહારો ઝડપી પાડવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.