અમદાવાદની આ પેઢીના 15 સ્થળો પર ઈન્કમટેક્ષની સર્ચઃ કરોડોની કરચોરી ખુલવાની આશંકા
અમદાવાદ, લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે પણ અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા ઓપરેશન હાથ ધરતા વેપાર-ઉદ્યોગકારોમાં ખળભળાટ સર્જાયો છે. ડેરી-હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જુથને નિશાન બનાવાયું છે અને કરોડો રૂપિયાની કરચોરી ખુલવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે અમદાવાદના આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં વ્યવસાયિક પ્રતિષ્ઠાનો ધરાવતા ગોપાલ ડેરી તથા રીવરવ્યૂ હોટલ ગ્રુપ પર આજે સવારથી દરોડા ઓપરેશન હાથ ધરાયું છે.
સંચાલકો નીશીત દેસાઇ-ગૌરાંગ દેસાઇ તથા અન્ય ભાગીદારોના નિવાસસ્થાન-ઓફિસ સહિત અંદાજીત 15 સ્થળોએ અધિકારીઓના કાફલો ત્રાટક્યો હતો. 75થી વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. મોટી માત્રામાં બિન હિસાબી વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો મળી આવતા કરોડો રૂપિયાની કરચોરી ખુલવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.
દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઇ છે તેવા સમયે આવકવેરા વિભાગે ઓપરેશન હાથ ધરતા વેપાર-ઉદ્યોગકારો સ્તબ્ધ બન્યા હતા અને આ ગ્રુપ સાથે કનેકશન ધરાવનારાઓમાં દોડધામ થઇ પડી હતી. ચૂંટણી ઉપરાંત નાણાંકીય વર્ષની સમાપ્તિને આડે માત્ર ચાર દિવસ બાકી છે તેવા સમયે ઇન્કમટેક્સ ત્રાટકવાનું સૂચક છે.
સામાન્ય રીતે ચૂંટણી અને માર્ચ એન્ડમાં ખાસ કરીને દરોડા કાર્યવાહી થતી ન હોવાનું કરદાતાઓ માનતા હોય છે છતાં આજના દરોડાથી જાણકારો પણ સ્તબ્ધ બન્યા હતાં. સૂત્રોના કહેવા પ્રમાણે ડેરી-હોટલ વ્યવસાયિક પરના આ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં રીયલ એસ્ટેટ વ્યવહારો ખુલવાના પણ નિર્દેશ છે. કરોડો રૂપિયાના નાણાંકીય વ્યવહારો દર્શાવતા દસ્તાવેજ મળી આવ્યા હતા.
આ કાર્યવાહીમાં નવા કનેકશન ખુલવાની પણ શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. રાજકોટના અધિકારીઓને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી ગુજરાતમાં ઇન્કમટેક્સ દ્વારા શ્રેણીબધ્ધ દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરી પકડવામાં આવી હોવાનું ઉલ્લેખનીય છે.