પ્રિ-મોન્સુનની કામગીરી બાદ ડ્રેનેજને લગતી ફરિયાદોમાં વધારો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડ્રેનેજની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. સામાન્ય દિવસોમાં પણ ડ્રેનેજના પાણી રોડ પર વહેતા જોવા મળે છે. ચોમાસામાં આ સમસ્યા વધુ ગંભીર બને છે તે બાબતથી જાણકાર મ્યુનિ. કમિશ્નર અને હોદ્દેદારો દ્વારા પ્રિ મોન્સુન એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે
જેમાં ડ્રેનજ ડીસ્લટીંગ પર ખાસ ભાર મુકવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ઈજનેર વિભાગ દ્વારા સમગ્ર શહેરની ડ્રેનેજ સફાઈ કરવામાં આવી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે પ્રિ મોન્સુન એકશન પ્લાન અંતર્ગત ડ્રેનેજની સફાઈ થયા બાદ ફરીયાદોમાં કોઈ જ ઘટાડો જોવા મળ્યો નથી તેમજ કેટલાક સ્થળે તો ફરિયાદોની સંખ્યા પણ વધી છે.
અમદાવાદ શહેરમાં ચોમાસાને અનુલક્ષી મે મહિનાથી કેચપીટો અને મશીન હોલની સફાઈ કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય તે હોય છે. દર વર્ષે આ કાર્ય પાછળ ઝોન દીઠ રૂ.પ૦ લાખથી વધુ રકમ ખર્ચ થાય છે. પરંતુ ઘણા ખરા કિસ્સામાં કેચપીટ અને મશીન હોલની સફાઈના આંકડા માત્ર કાગળ પુરતા જ સીમિત રહે છે
જેના કારણે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા જોવા મળે છે. ચાલુ વર્ષે વરસાદ થયા પહેલા જ આવી સમસ્યા જોવા મળી છે. પ્રિ મોન્સુન એકશન પ્લાન અંતર્ગત કેચપીટો અને મશીન હોલની સફાઈ થયા બાદ પણ ડ્રેનેજ બેકીગની ફરિયાદોમાં વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીથી ર૬ જુન સુધી ડ્રેનેજને લગતી જેટલી ફરિયાદો નોંધાઈ છે તેની ૩પ થી ૪૦ ટકા ફરિયાદ છેલ્લા ર મહિનામાં નોંધવામાં આવી છે.
શહેરના મધ્યઝોનમાં મે અને જુન મહિનામાં ૧પ હજાર કરતા વધુ ફરિયાદો ડ્રેનેજ બેકીગની નોંધવામાં આવી છે તેવી જ રીતે ઉત્તર ઝોનમાં રરપ૪૪ અને પશ્ચિમ ઝોનમાં ૯૬૮૭ ફરિયાદ નોંધાઈ છે. ૧ જાન્યુઆરીથી ર૬ જુન સુધી ડ્રેનેજને લગતી કુલ ૧૬પ૬ર૮ ફરિયાદ નોંધાઈ છે.
જે પૈકી મે મહિનામાં ર૮પ૩૧ અને જુન મહિનામાં ર૮૧૧૩ ફરિયાદ મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે નોંધવામાં આવી છે. આમ ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો ૬ મહિનામાં નોંધાયેલ કુલ ફરિયાદની ૩પટકા ફરિયાદ મે અને જુન મહિનામાં જ નાગરિકો દ્વારા કરવામાં આવી છે.