Western Times News

Gujarati News

કેનેડામાં લઘુતમ વેતનમાં વધારો લાખ્ખો ભારતીયોને ફાયદો થશે

નવી દિલ્હી, કેનેડા સરકારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ફેડરલ લઘુત્તમ વેતન પહેલી એપ્રિલથી પ્રતિકલાક ૧૭.૩૦ કેનેડિયન ડોલરથી વધારી ૧૭.૭૫ કેનેડિયન ડોલર કરવાનો નિર્ણય કર્યાે છે.

સરકારના આ નિર્ણયથી કેનેડામાં અભ્યાસ કરતા અને રહેતા લાખ્ખો ભારતીયોને વધી રહેલા જીવનનિર્વાણ ખર્ચ વચ્ચે થોડી રાહત મળશે. રોજગાર અને શ્રમ પ્રધાન સ્ટીવન મેકકિનને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેડરલ લઘુત્તમ વેતન કેનેડિયન કામદારો અને વ્યવસાયો બંને માટે સ્થિરતા અને નિશ્ચિતતા લાવે છે અને સમગ્ર દેશમાં આવક અસમાનતા ઘટાડવામાં મદદ કરે છે.

આજનો વધારો આપણને વધુ ન્યાયી અર્થતંત્રના નિર્માણ તરફ એક પગલું નજીક લાવે છે. નોકરીદાતાઓને તેમની પગાર પ્રણાલીને અપડેટ કરવા તથા ઇન્ટર્ન સહિત તમામ કર્મચારીઓને અપગ્રેડેડ દરે વેતન ચુકવવાની તાકીદ કરાઈ છે.

કેનેડામાં વાર્ષિક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને આધારે દર વર્ષે પહેલી એપ્રિલે ફેડરલ લઘુતમ વેતનમાં સુધારો કરવામાં આવે છે. કેનેડામાં મોંઘવારીમાં વધારો ૨૦૨૫ની ચૂંટણીમાં એક મહત્ત્વનો મુદ્દો બનશે.

કેનેડાની કુલ વસ્તીમાં ભારતીયોનું પ્રમાણ ૩.૭ ટકા છે અને ૨.૪ ટકાના આ વેતનવધારાથી તેમને લાભ થશે. ૨૦૨૪માં કેનેડામાં કુલ કામચલાઉ શ્રમિકો અથવા ગિગ વર્કર્સમાં ભારતીયોનો હિસ્સો ૨૨ ટકા હતો. કેનેડામાં આશરે ૧૩.૫ લાખ લોકો ભારતીય મૂળના છે. કેનેડામાં ભારતીયો રિટેલ, આરોગ્યસંભાળ, બાંધકામ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.