જામીન અરજીઓ ફગાવી દેવાના પ્રમાણમાં વધારો ચિંતાજનકઃ સુપ્રીમ

નવી દિલ્હી, અતિશય ગંભીર પ્રકારના કેસ ન હોવા છતાં ટ્રાયલ કોર્ટ દ્વારા જામીન અરજીઓ ફગાવી દેવાના વલણને સુપ્રીમ કોર્ટે ચિંતાજનક ગણાવ્યુ હતું.
કોર્ટે ઠરાવ્યુ હતું કે, લોકશાહી દેશમાં તંત્રએ પોલીસ રાજની જેમ કામ કરવું જોઈએ નહીં. પોલીસ કે અન્ય એન્ફોર્સમેન્ટ એજન્સી પોતાની સત્તાનો ઉપયોગ કરી કોઈ નક્કર કારણો કે જરૂરિયાત વગર વ્યક્તિને ગોંધી રાખે તે યોગ્ય નથી.
જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે નોંધ્યું હતું કે, બે દાયકા અગાઉ આ પ્રકારના કેસમાં જામીનની અરજીઓ ભાગ્યે જ હાઈકોર્ટ સુધી પહોંચતી હતી અને સુપ્રીમ કોર્ટ સુધી તો એકાદ કેસ જ આવતો હતો. ટ્રાયલ કોર્ટના સ્તરે જેવી જામીન અરજીઓનો નિકાલ થઈ જવો જોઈએ, તેવી અરજીઓ સુપ્રીમ કોર્ટ સુધી આવી રહી છે. આ બાબત ચિંતાજનક છે અને તેના કારણે બિનજરૂરી ભારણ વધે છે.
એક જામીન અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદારના જામીન મંજૂર કર્યા હતા. કેસની વિગતો મુજબ, ઠગાઈના કેસમાં એક આરોપી છેલ્લા બે વર્ષથી કસ્ટીમાં છે. કેસની તપાસ પૂરી થયા બાદ ચાર્જશીટ ફાઈલ થઈ ગઈ હતી. આમ છતાં ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી હતી.
આરોપીના જામીન મંજૂર કરતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, આરોપીએ તપાસમાં સહકાર આપેલો છે અને તપાસ દરમિયાન પણ તેની ધરપકડ પણ કરવામાં આવી ન હોતી. ચાર્જશીટ થયા પછી તેને કસ્ટડીમાં લેવાનું વલણ યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલવી જોઈએ તેવી જામીન અરજીઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાની ઘટના કમનસીબ છે. જામીન મળવાપાત્ર હોવા છતાં લોકોને જામીન મળતા નથી, તેવું કહેતા દુઃખ થાય છે.SS1MS