ઈમ્પોર્ટ ડ્યૂટી, GST વધતાં ચીની રમકડાં અસહ્ય મોંઘા થયા
અમદાવાદ: રમકડાનું બજેટ પણ હાલમાં ડબલ થઈ ગયું છે. ૧૦૦૦ રૂપિયાનું રમકડું આજની તારીખમાં ૧૫૦૦ રૂપિયાથી વધુ ભાવે વેચાય છે. ગ્રાહકોના રમકડા માટેનું બજેટ છે તેમાં બમણો વધારો થયો છે. પરિણામે લોકો પણ ન છૂટકે જ રમકડા ખરીદી કરી રહ્યા છે. તો વેપારીઓનું કહેવું છે કે ઇલેક્ટ્રોનિક રમકડાનું મોટું બજાર ચાઇના છે અને ભારતમાં તેનું પ્રોડક્શન થતું જ નથી. પેઢીઓથી રમકડાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વસીમ સેજગર જણાવે છે કે ભારત સરકારની નવી પોલીસી પ્રમાણે ઇમ્પોર્ટ ડયૂટી ૨૦ ટકાથી વધીને ૬૦ ટકા થઈ છે. ઉપરાંત અમે રમકડા ઉપર પહેલા પાંચ ટકા વેટ ભરતા હતા જે વધીને જીએસટી ૧૨% ભરવી પડી રહી છે.
પરિણામે જ રમકડા મોંઘા થયા છે. ભારતના અને ચાઇના વચ્ચેના હાલમાં વણસેલા સંબંધોને પગલે વેપારીઓ જણાવે છે કે અમારે પણ ચાઇના પાસેથી રમકડાં ખરીદવા નથી પરંતુ ભારતમાં ઇલેક્ટ્રૉનિક્સ રમકડાંનું પ્રોડક્શન થતું જ નથી અને પરિણામે ના છૂટકે અમારે ચાઇનાથી રમકડા ઈમ્પોર્ટ કરવા પડે છે અને મોટી ડ્યુટી ભરવી પડે છે. જેના કારણે રમકડા ના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં પોતાના બાળક માટે પેરેન્ટ્સ રમકડાં ખરીદવા જાય તો તેમણે રમકડાં ૬૦ ટકાથી વધુ ભાવ વધારો ચૂકવવો પડી રહ્યો છે જે અસહ્ય બન્યો છે.. સામે વેપારીઓનું કહેવું છે કે ચાઇના નો બહિષ્કાર કરવા માટે અમે તૈયાર છીએ
જેથી ઈમ્પોર્ટ ડ્યુટી રમકડા પર નાબૂદ થઇ શકે. પરંતુ ભારત સરકાર તરફથી પણ એવી પ્રોત્સાહક નીતિ જાહેર કરવામાં આવે જે થકી ચાઈના ની જેમ ભારત પણ ઇલેક્ટ્રોનિક્સ રમકડા નું હબ બને.. અહીં જ માસ રમકડાંનું ઉત્પાદન થાય અને ત્યારે જ ભાવ પણ અંકુશમાં આવશે અને ચાઇનાની મોનોપોલી તૂટશે. પરંતુ હાલની હકીકત એ છે કે ગ્રાહકો નું બજેટ પોતાના બાળકો માટે રમકડાં ખરીદવામાં ડબલ થઈ ગયું છે અને પરિણામે જ ગ્રાહકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.