વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગચાળામાં વધારો
શરદી-ઉધરસ, ઝાડા-ઊલ્ટી અને વાઈરસના કેસોમાં ઉછાળોઃ સિવિલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી
અમદાવાદ, શહેરમાં સતત વાદળછાયા માહોલ વચ્ચે વરસાદી પાણી ભરાવાની સાથે ગંદકી સહિતનાં કારણોથી ઠેરઠેર મચ્છરનો ઉપદ્રવ વધતાં રોગચાળો પ્રસર્યાે છે. ઘેર ઘેર માંદગીના ખાટલા છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, શરદી-ઉધરસ, ઝાડા-ઊલ્ટી અને સામાન્ય તાવના કેસ વધુને વધુ નોંધાઈ રહ્યા છે.
ખાનગી દવાખાનાં અને સરકારી હોસ્પિટલોની ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી રહી છે. મહાપાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે, પરંતુ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
વાઈરલ કેસમાં પણ મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે. દર્દીઓમાં માથા અને શરીરમાં દુખાવો થતો હોવાની ફરિયાદો વધી રહી છે. આ ઉપરાંત ક્યાંક-ક્યાંક સ્વાઈન ફ્લુ અને કોરોના બંને એકસાથે જાેવા મળી રહ્યો છે. ડોક્ટર્સના કહેવા અનુસાર સરેરાશ ૧૦૦માંથી પાંચ કેસ આ પ્રકારના જાેવા મળી રહ્યા છે. આ બંનેનાં લક્ષમો સરખાં દેખાઈ રહ્યાં છે અને સિટી સ્કેનમં પણ લક્ષણો સરખાં જાેવા મળે છે. આ બંનેમાં આરટીપીસીઆર કરાય તો જ રોગ પકડાય છે.
જનરલ ફિઝિશિયનના જણાવ્યા અનુસાર હાલમાં ઈન્ફ્લુએન્ઝા એટલે કે ફ્લુનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યુું છે. આ રોગ ચેપી હોવાથી ઘરમાં એકને થાય તો બીજાને પણ તેનો ચેપ લાગે છે. આમાં તાવ આવે છે તથા માથા-શરીરમાં દુખાવો થાય છે તથા કફ પણ રહે છે, જેમાં નોર્મલ દવાથી સારું થઈ જાય છે, તેમ છતાં પણ આ બાબતે સાવચેત રહેવાની ખાસ જરૂર છે.
ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય કરતાં પાણીજન્ય રોગોના પ્રમાણમાં વધારો થયો છે. શહેરમાં ઝાડા-ઊલટીના કેસો પણ મોટા પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. વરસાદ અને ડ્રેનેજમાં મિક્સ થયેલા દૂષિત પાણીના કારણે ઝાડા-ઊલ્ટી અને પેટમાં દુખાવા સહિતના રોગોમાં વધારો થયો છે.
હાલમાં બાળકો પણ આ રોગચાળામાં વધુ સપડાઈ રહ્યાં છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ લોકોમાં દહેશત ફેલાવી છે. પુખ્ત વયના લોકોની સાથે-સાથે હવે બાળકોમાં પણ આ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. હાલમાં જે રીતે આ રોગચાળો વધી રહ્યો છે તેને જાેતાં બાળકોની ઓપીડી પણ વધી રહી છે.
દર વર્ષે ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના દર્દીઓ વધતાં હોય છે, પરંતુ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. સોલા સિવિલમાં રોજની ૧૦૦૦ ઓપીડી આવે છે, જે વધીને ૧૨૦૦ જેટલી થવા પામી છે. અસારવા સિવિલમાં રોજની ૨૦૦૦ જેટલી ઓપીડી આવતી હતી. જે વધીને હવે ૨૫૦૦ થઇ ગઈ છે. અસારવા સિવિલમાં પણ બાળકોમાં કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે.