ભરૂચ ક્ષય વિભાગના કર્મચારીઓની અચોકકસ મુદ્દતની હડતાળ

કાયમી કરવા સહિતની પડતર માંગણીઓના મુદ્દે હડતાળ પર ઉતરી આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચ, ભરૂચ જીલ્લા ક્ષય વિભાગના કર્મચારીઓએ પડતર માંગણીઓના મુદ્દે અચોકકસ મુદ્દતની હડતાળનું શસ્ત્ર ઉગામી આંદોલનના મંડાણ કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગુજરાતમાં આવેદન અને આંદોલનની સીઝન બેઠી છે. ત્યારે ભરૂચ જીલ્લા ક્ષય વિભાગના કર્મચારીઓ પણ આંદોલનનાં મંડાણ કરી અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે.
આંદોલનકારી ક્ષય વિભાગના કર્મચારીઓએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેઓની છેલ્લા કેટલાક વર્ષોથી પડતર રહેલ માંગણીઓ સંદર્ભે પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષથી ક્ષય વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓને કોઇ પગાર વધારો મળેલ ન હોઈ તાકીદે પ્રવર્તમાન સમયને ધ્યાને રાખી ન્યુનતમ પગાર વધારી આપવો.
તા.૧૫-૧૧-૨૦૧૮ નાં પત્રથી જાહેર કરાયેલ સુધારેલ પગાર વધારામાં ક્ષય વિભાગનાં કરારી કર્મીઓને થયેલ અન્યાય અને વિસંગતતા દુર કરી એરીયર્સ સહ ઉક્ત તારીખની અસરથી ચૂકવણુ કરી અમલીકરણ કરવું,પેટ્રોલ એલાઉન્સમા વધારો સહિત અન્ય વિવિધ પડતર ક્ષય વિભાગના તમામ કરારી કર્મીઓની જગ્યાઓને હંગામીમાં થી કાયમીમાં રૂપાંતર કરી તમામ કરારી કર્મીઓને કાયમી કરવા સહિત અન્ય વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લા ક્ષય વિભાગના કર્મચારીઓની હડતાળના પગલે જીલ્લાના ૨૦૦૦ થી વધુ ક્ષયના દરદીઓની સારવારને અસર થઈ શકે છે.ત્યારે આ મુદ્દે સરકાર કેવી રીતે,ક્યારે સકારાત્મક કાર્યવાહી કરે છે તે જાેવું રહ્યું.