2024ની ચૂંટણી માટે INDI એલાયન્સ ગઠબંધન તૈયાર છે ખરું ?
વડાપ્રધાન પદના ચહેરા તરીકે ખડગેના નામનો પ્રસ્તાવ પરંતુ નક્કી કઈ નહીં
ભાજપ સામે એકઠાં થયેલા દેશના તમામ વિપક્ષોનું ગઠબંધન ઈન્ડિયામાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાય છે. ૧૯મી ડિસેમ્બરે મળેલી ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ દળોની બેઠક પછી કોઈ અગત્યની જાહેરાતો થશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ ર૮ વિપક્ષી દળોની ઈન્ડિયા ગઠબંધનની આ ચોથી બેઠક પણ કોઈ પોઝિટિવ વાત બહાર આવી ન હતી. ઊલટાનું ઈન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન પદનાં ચહેરા અંગે કોંગ્રેસ પ્રમુખ મÂલ્લકાર્જુન ખડગેનું નામની દરખાસ્ત મુકાતા એક નવો વિવાદ સર્જાયો છે.
ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક મળી તે જ દિવસે સંસદમાં ચાલતા સત્રમાંથી ૪૯ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલે શિયાળુ સત્રમાં સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોની સંખ્યા ૧૪૧ સુધી પહોંચી ગઈ છે. ઈન્ડિયા ગઠબંધનની બેઠક દરમિયાન બનેલી આ ઘટના અંગે કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું હતું કે, આ મુદ્દે અમે લડીશું અને રસ્તા પર ઉતરીશું.
ખડગેએ એવું પણ કહ્યું કે સંસદમાં લોકશાહીની ધજ્યાં ઉડી રહી છે અને સદનની મર્યાદા પર ઉંડી ચોંટ પહોંચી છે. ટૂંકમાં ગઠબંધનની આ બેઠક બાદ પણ મીડિયામાં ચર્ચા સાંસદોના સસ્પેન્શનની રહી. વિપક્ષીઓના ગઠબંધનની આ મુદ્દે રસ્તા પર દેખાવો કરવાની વાત કરી અને રરમી ડિસેમ્બરે વિપક્ષી સાંસદો દેશભરમાં દેખાવો કરશે તેવી જાહેરાતો કરી.
દિલ્હીની અશોકા હોટેલમાં મળેલી વિપક્ષી ગઠબંધનની આ મિટિંગની ફલશ્રુતિ બહાર આવી તો એટલી જ કે, ઈન્ડિયા ગઠબંધન હજી જીવિત છે. ત્રણ મહિના પછી મળેલી ગઠબંધનની આ મિટિંગમાં ઉડીને આ જ વાત બહાર આવી કારણ કે, ગઠબંધન અંગે જે તરેહતરેહની વાતો બહાર આવતી હતી, ખાસ કરીને ચાર રાજયોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી વિપક્ષી નેતાઓએ એકબીજા પર જે આક્ષેપો કર્યા હતા તેનાથી લાગતું હતું કે ગઠબંધન નહીં ટકે. જોકે, ઈન્ડિયા ગઠબંધનની આ ચોથી મિટિંગમાં અખિલેશ યાદવ,
ડી.રાજા, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લાલુ યાદવ, મમતા બેનરજી જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં જોકે પશ્ચિમ બંગાળના નેતા બેનરજીએ નવો ધડાકો કરીને સૌને ચોંકાવી દીધા હતા. વિપક્ષી નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે મમતા બેનરજીએ ઈન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન તરીકેનો ચહેરા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નામ જાહેર કરવું જોઈએ તેવો પ્રસ્તાવ મુકયો હતો.
આ પ્રસ્તાવને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટેકો આપ્યો હતો. જોકે ઈન્ડિયા ગઠબંધનના વડાપ્રધા તરીકેના નેતા તરીકે ખડગેના નામની જાહેરાત નથી થઈ એટલે મમતા બેનરજીનો આ પ્રસ્તાવ બેઠકમાં માન્ય નથી રહ્યો તે પુરવાર થાય છે. વિપક્ષી બેઠક પછી જયારે પત્રકારોએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને આ અંગે સવાલ પુછયો ત્યારે ખડગેએ કહ્યું હતું કે, પહેલાં બધા જીતીને આવો પછી આ બધી વાત કરીશું.
ખડગેના આ નિવેદન પછી એ સ્પષ્ટ થાય છે કે, વિપક્ષો હજુ સુધી વડાપ્રધાનનો ચહેરો નકકી કરી શક્યાં નથી. બીજું એ કે વિપક્ષી નેતાઓએ ખડગેને પોતાના નેતા તરીકે અને વડાપ્રધાન પદનાં ચહેરા તરીકે જાહેર કરવામાં કોઈ રસ નથી. હકીકતમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નામનો પ્રસ્તાવ મુકીને મમતા બેનરજીએ એક તીરથી ઘણા નિશાન સાધ્યાં છે.
વિપક્ષી નેતાઓની આ બેઠકમાં આગલા દિવસે જ મમતા બેનરજીએ પત્રકારોને કહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધનમાં વડાપ્રધાન તરીકે કોઈ એક ચહેરાને આગળ કવરાની વાત શક્ય નથી. આવું એક દિવસ પહેલાં બોલનાર મમતા બેનરજીએ જાતે જ બીજા દિવસે વડાપ્રધાન પદનાં ચહેરા તરીકે ખડગેનું નામ રજૂ કર્યું તે સોચી સમજી રણનીતિનો ભાગ હોવાનું મનાય છે.
ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની બેઠક પહેલાં મમતા બેનરજી દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાતે એક મોટો ફૂલનો ગુલદસ્તો લઈને ગયા હતા. શકય છે કે આ મુલાકાત દરમિયાન જ ઈન્ડિયા ગઠબંધનની બેઠક દરમિયાન ખડગેના નામનો પ્રસ્તાવ મુકવાનો પ્લાન બન્યો હશે. કારણ કે, બેનરજીની દરખાસ્તને કેજરીવાલે ટેકો આપ્યો હતો.
હકીકત તો એ છે કે ઈન્ડિયા ગઠબંધનમાં વડાપ્રધાન પદનો ચહેરો બનવા દાવેદાર તરીકે ખુદ મમતા બેનરજી ઈચ્છુક છે. જાણકારો કહે છે કે, મમતા બેનરજીએ ખડગેનું નામ એટલા માટે જાતે મુકયું કે બીજા નેતાઓ એ નામ નહીં ચાલે તેવુ કહીને ખુદ મમતા બેનરજીને આગળ કરે. વિપક્ષી નેતાઓમાં
વડાપ્રધાનના દાવેદાર બનતા નીતીશકુમાર પણ થનગની રહ્યાં છે. જોકે, નીતિશકુમારનું નામ કોઈ આગળ કરતું નથી એટલે તેઓ પણ આ બેઠક દરમિયાન ગુસ્સે ભરાયા હતા.
સુત્રો જણાવે છે કે, વિપક્ષી નેતાઓની બેઠક દરમિયાન જયારે તેમના વકતવ્યની ટ્રાન્સલેશન કરવાની વાત ડીએમકેના નેતા ટીઆર બાલુએ કહી ત્યારે નીતીશકુમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે બધાની વચ્ચે ટીઆર બાલુનો કલાસ લેતાં કહ્યું હતું કે, હિન્દી દેશની રાષ્ટ્રભાષા છે. અને સૌએ એ ભાષા સમજવી જોઈએ. શીખવી જોઈએ, ત્યારબાદ પણ નીતીશકુમારનો ગુસ્સો કાબૂમાં રહ્યો ન હતો અને બેઠક દરમિયાન અંગ્રેજોની કુટનીતિ, અંગ્રેજી ભાષા અને સ્વતંત્રતા આંદોલનની વાતો કરવા માંડ્યાં હતાં. આખરે બીજા નેતાઓએ નીતીશકુમારને માંડ માંડ શાંત પાડ્યા હતા.
આમ ઈન્ડિયા ગઠબંધની બેઠક દરમિયાન વિપક્ષી ગઠબંધનનો ચૂંટણીનો એજન્ડા દેશની સામે મુકાશે કે પછી વિપક્ષોનો પ્લાન ઓફ એકશન ચૂંટણી સંદર્ભે જાહેર થશે કે પછી ચૂંટણી બેઠકોની ફાળવણીની કોઈ જાહેરાતથશે તેવી ધારણા રખાતી હતી. તે તમામ વાતો પર પાણી ફરી વળ્યું છે અને બેઠક બાદ વિવાદો જે બહાર આવ્યા છે. ઈન્ડિયા ગઠબંધન આગામી દિવસોમાં કઈ રીતે આગળ વધશે તે અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.
કારણ કે પશ્ચિમ બંગાળે કોંગ્રેસને વધારે બેઠકો આપવાની મમતા બેનરજીએ ના પાડી દીધી છે. પંજાબમાં આપના સંગઠન દ્વારા કોંગ્રેસ સાથે ગઠબંધનનો ઈનકાર કરી દેવાયો છે. બિહારમાં નીતીશકુમાર કોંગ્રેસને પગ મુકવા દે તેવું લાગતું નથી. આ સંજોગોમાં ઈન્ડિયા ગઠબંધન કેટલું કામિયાબ રહેશે તે એક સવાલ છે. ર૦ર૪ની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધન તૈયાર છે કે નહીં, તે અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.