Western Times News

Gujarati News

ભારતમાં આજે સક્રિય કેસનું ભારણ ઘટીને 5.5 લાખ કરતાં ઓછું નોંધાયું

Files Photo

105 દિવસ પછી દૈનિક ધોરણે 38,310 નવા કેસ નોંધાયા- કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો સક્રિય કેસ કરતાં 70 લાખ વધારે નોંધાયો

Ahmedabad,  કોવિડ-19 સામેની જંગમાં ભારતે કેટલાક સીમાચિહ્નરૂપ મુકામ પ્રાપ્ત કર્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 40,000થી ઓછી નોંધાઇ છે. 15 અઠવાડિયા (105 દિવસ) પછી દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા 38,310 નોંધાઇ છે. અગાઉ 22 જુલાઇ 2020ના રોજ એક દિવસમાં નવા 37,724 કેસ નોંધાયા હતા.

ભારતમાં દરરોજ કોવિડમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને મૃત્યુદરમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, તેમજ સક્રિય કેસની સંખ્યામાં એકધારો ઘટાડો થવાનું વલણ જળવાઇ રહ્યું છે.

અન્ય એક સિદ્ધિરૂપે, સક્રિય કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો થતા 5.5 લાખથી નીચે આ આંકડો પહોંચી ગયો છે. દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા હવે માત્ર 5,41,405 રહી છે જે અત્યાર સુધીમાં નોંધાયાલે કુલ કેસમાંથી ફક્ત 6.55% છે.

સમગ્ર દેશમાં વ્યાપકધોરણે અને સતત ઘણી મોટી સંખ્યામાં પરીક્ષણો, તાત્કાલિક અને અસરકારક સર્વેલન્સ અને ટ્રેકિંગ, ત્વરિત હોસ્પિટલાઇઝેશન અને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રમાણભૂત સારવારના પ્રોટોકોલના અસરકારક અનુપાલન માટે કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી વ્યૂહનીતિનું રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું હોવાથી તેમજ સૌના સહિયારા અને કેન્દ્રિત પ્રયાસોના લીધે આ પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત થઇ રહ્યાં છે.

દેશના તમામ ભાગોમાં સંક્રમિત દર્દીઓને સારવાર આપવા માટે નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહેલા ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને અગ્ર હરોળમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને કોવિડ-19 યોદ્ધાઓના યોગદાનના કારણે પણ આ પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.

સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાની સાથે સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પ્રચંડ વૃદ્ધિના કારણે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 76 લાખ કરતાં વધુ (76,03,121) નોંધાઇ છે. સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેનો તફાવત આજે 70 લાખનો આંકડો પાર કરી ગયો છે અને આજે આ સંખ્યા 70,61,716 સુધી પહોંચી ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 58,323 નોંધાઇ છે. આ સાથે રાષ્ટ્રીય રિકવરી દર વધીને 91.96% સુધી પહોંચી ગયો છે. નવા સાજા થયેલા કેસમાંથી 80% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.

દૈનિક ધોરણે નવા સાજા થયેલા દર્દીઓ મામલે મહારાષ્ટ્ર ટોચે છે જ્યાં એક દિવસમાં 10,000થી વધુ દર્દી સાજા થયા છે જ્યારે 8,000થી વધુ દર્દી સાજા થવા સાથે કર્ણાટક બીજા ક્રમે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.