ભારત અને સ્પેન વચ્ચેનો વેપાર વર્ષ 2023-24માં 7.24 અબજ ડોલર સુધી પહોંચ્યો
ગુજરાત આગામી સપ્તાહે સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝનું રાજ્યમાં સ્વાગત કરશે અને આ સાથે જ ગુજરાત સ્પેન સાથે વધી રહેલા ભારતના વ્યાપારી અને આર્થિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ પ્લેયર તરીકે પોતાની ભૂમિકાને મજબૂત કરવા માટે સજ્જ છે. વડોદરા ખાતે ટાટા એરબસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહેલા સ્પેનિશ વડાપ્રધાનની આ મુલાકાત ગુજરાત અને સ્પેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાના રાજ્યના પ્રયાસોમાં સીમાચિહ્નરૂપ છે. India and Spain trade in year 2023-24
પોતાના વ્યૂહાત્મક સ્થાન અને એક સુવ્યવસ્થિત ઔદ્યોગિક માળખા સાથે, ગુજરાત ભારત અને સ્પેન વચ્ચેના વેપાર માટે એક અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. મુન્દ્રા અને કંડલા જેવા રાજ્યના વિશ્વસ્તરીય બંદરોએ રાજ્યની વધતી જતી વ્યાપારી પ્રવૃત્તિઓને સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જે ઓટોમોટિવ, રિન્યુએબલ એનર્જી અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં સ્પેનિશ રોકાણો માટે ગુજરાતને આકર્ષક સ્થળ બનાવે છે.
રાજ્યની બિઝનેસને અનુકૂળ નીતિઓ અને કુશળ કર્મચારીબળની ઉપલબ્ધતાને કારણે, ગત વર્ષોમાં ઘણી અગ્રણી સ્પેનિશ કંપનીઓએ ગુજરાતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. ગુજરાતમાં સ્પેનના નોંધપાત્ર રોકાણોમાં ગ્રૂપો એન્ટોલિનનો સમાવેશ થાય છે, જેણે ફોર્ડ અને ટાટા જેવા અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદકોને સેવા આપવા માટે 2015માં સાણંદમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપિત કરી હતી. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં, સાઇમેન્સ ગામેસા અને વિન્ડર રિનોવેબલ્સે હાલોલમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપ્યા છે, જે પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાતના નેતૃત્વને મજબૂત બનાવે છે.
‘ટ્રસ્ટિન ટેપ’ એ વેલેન્સિયા સ્થિત ટેક્નિકલ ટેપ અને એડહેસિવ સોલ્યુશન્સમાં સ્પેશ્યલાઈઝ્ડ કંપની- મિયાર્કો અને ઈન્ડિયન PPM ઇન્ડસ્ટ્રીઝનું સંયુક્ત સાહસ છે. ટ્રસ્ટિન ટેપે 2018માં ગુજરાતના દહેજમાં મેન્યુફેક્ચરિંગ સેન્ટર શરુ કર્યું હતું અને ભારતની પ્રથમ અને એકમાત્ર માસ્કિંગ ટેપ પ્રોડક્શન કંપની બની હતી. એ જ રીતે, અત્તરનું ઉત્પાદન કરતી કંપની આઇબરચેમ વર્ષ 2010થી અમદાવાદના ચાંગોદરમાં પોતાની ફેસિલિટી ચલાવી રહી છે. આવા રોકાણને લીધે ભારતમાં પોતાનું વિસ્તરણ કરવા માગતી સ્પેનિશ કંપનીઓ માટે ગુજરાત પસંદગીનું સ્થળ બન્યું છે.
વડોદરામાં ટાટા-એરબસ પ્રોજેક્ટ ગુજરાત અને સ્પેન વચ્ચે વધતા વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગની મજબૂતી દર્શાવે છે. ભારત માટે જે 56 C295 લશ્કરી એરક્રાફ્ટનું નિર્માણ થવાનું છે તેમાંથી 40 ભારતમાં જ બનાવવામાં આવશે, જે બંને પ્રદેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરશે.
સ્પેનમાં ગુજરાતની નિકાસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જે 2023-24માં 0.94 અબજ ડોલર સુધી પહોંચી છે. સ્પેનમાં ગુજરાત મુખ્યત્વે કાર્બનિક રસાયણો, મશીનરી, ખનિજ ઇંધણ અને આયર્ન અને સ્ટીલ ઉત્પાદનોની નિકાસ કરે છે, જે રાજ્યના વૈવિધ્યસભર ઉદ્યોગોની મજબૂત હાજરીને પ્રતિબિંબિત કરે છે.
વ્યાપાર ઉપરાંત, ગુજરાત અને સ્પેને સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપ્યું છે. સ્પેનિશ બિઝનેસે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, ગુજરાતીઓ સ્પેનિશ કલા, સંગીત અને ફૂડમાં પણ રસ લઈ રહ્યા છે. તો ઉચ્ચ શિક્ષણ- ખાસ કરીને બિઝનેસ મેનેજમેન્ટ, કળા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ સહયોગની સંભાવનાઓમાં વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને સ્પેન મજબૂત દ્વિપક્ષીય વ્યાપારી સંબંધો ધરાવે છે. બંને દેશો વચ્ચેનો વેપાર વર્ષ 2023-24માં 7.24 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચેના વ્યાપારમાં સ્થિર વધારો જોવા મળ્યો છે, અને બંને દેશો વચ્ચેનો વેપાર રિન્યુએબલ એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ અને ટેક્નોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યો છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2021-22માં 6.77 અબજ ડોલરથી વધીને 2023-24માં 7.24 અબજ ડોલર થયો છે.
યુરોપિયન યુનિયનમાં સ્પેન ભારતનું છઠ્ઠું સૌથી મોટું વ્યવસાયિક ભાગીદાર છે. ભારત સ્પેનમાં ખનિજ ઇંધણ, રસાયણો, મશીનરી, કપડાં અને લોખંડ અને સ્ટીલની નિકાસ કરે છે. આઈટી, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગમાં ઘણી ભારતીય કંપનીઓએ સ્પેનમાં કામગીરી શરૂ કરી છે જેના લીધે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
સ્પેને ભારતમાં (એપ્રિલ 2000 થી જૂન 2024 સુધી) 4.2 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જે ટેક્નોલોજી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપે છે. ભારત સ્પેનમાંથી જહાજો, મશીનરી અને પીણાંની આયાત કરે છે, જેના લીધે ઉત્પાદન અને સંરક્ષણ જેવા ઉદ્યોગોને વેગ મળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા ભારતીય રાજ્યોમાં 280 થી વધુ સ્પેનિશ કંપનીઓ કામ કરે છે. બંને દેશો રિન્યુએબલ એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ ક્ષેત્રે વધુ તકો શોધે તેવી અપેક્ષા છે. સ્પેનના વડાપ્રધાનની ગુજરાત મુલાકાતથી ગુજરાત સ્પેન સાથે વ્યવસાય, રોકાણ અને સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા માટે તત્પર છે.