ભારત બે મુદ્દા પર જ વાત કરશે: પાક.આતંકીઓને સોંપે અને PoK પરત કરે

ગોળીનો જવાબ ગોળાથી અપાશેઃ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ ભારતને મંજૂર નહીં
નવી દિલ્હી, શનિવાર રાત્રે પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કરી ફરી એક વખત કાશ્મીરથી લઈ ભૂજ સુધી ડ્રોન હુમલા કર્યા હતા. પરંતુ ભારતીય લશ્કરે આ તમામ હુમલા નિષ્ફળ બનાવી વળતો પ્રહાર કરતાં પાકિસ્તાનનાં ૮ એરબેઝો પર મિસાઈલ હુમલો કર્યાે હતો. અને તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
ત્યારબાદ આજે બપોરે ફરી એકવખત વાતચીત થયા પ્રમાણે યુદ્ધ વિરામનો ચુસ્તપણે અમલ કરવાનો નક્કી કરાયું હતું. અને ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો યુદ્ધ વિરામનો આજે પણ ભંગ થશે તો ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે. ભારતીય લશ્કર એલર્ટ મોડમાં જ છે અને તે કોઈપણ નાપાક હરકત હવે નહીં ચલાવી લે. પાકિસ્તાનને થયેલાં નુકસાનનાં કારણે આખરે તેણે સીઝફાયર માટે ફરીવખત વિનંતી કરવી પડી હતી.
સરહદ ઉપર તંગદિલીભરી શાંતિ વચ્ચે સરહદી રાજ્યોમાં જનજીવન થાળે પડવા લાગ્યું છે. પરંતુ હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતે કરેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ૪૦ જેટલા જવાન અને અધિકારીઓ માર્યા ગયા છે. જ્યારે ભારતનાં પણ પાંચ જવાન શહીદ થયા છે. બંને પક્ષો વચ્ચે ડીજીએમઓ લેવલની વાતચીત થવાની છે ત્યારે સરકારી સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ભારત માત્ર બે મુદ્દા પર જ વાત કરવાનો છે.
સૌ પહેલાં પાકિસ્તાન આતંકવાદીઓને સોંપે અને પીઓકે પરત કરે તો જ આગળ વાતચીત ચાલશે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાન પર લગાવાવવામાં આવેલા સિંધુ જળ સંધિ ભંગ સહિતના છ નિર્ણયોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. બીજી બાજુ, ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ જરૂરી નથી. અને આ મુદ્દા ઉપર દ્વિપક્ષીય વાતચીત થશે.
એટલું જ નહીં પરંતુ, વધુમાં જણાવાયું છે કે, આતંકવાદીઓના ખાત્મા વગર ઓપરેશન સિંદૂર બંધ કરવામાં નહીં આવે. એટલું જ નહીં પરંતુ કાશ્મીરના મુદ્દે હાલના તબક્કે કોઈ જ વાતચીત કરવાનો ભારતે ઈનકાર કરી દીધો છે. અને હવે યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવશે તો ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે.
રાત્રે પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યા બાદ ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી હતી અને તેમાં બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ કરાયો હતો. જેના કારણે પાકિસ્તાનના એરબેઝોને લગભગ નેસ્તનાબૂદ કરી દેવાયા છે. સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વિદેશ પ્રધાનો વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.
આ વાતચીત ફક્ત બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ આર્મી ઓપરેશન્સ વચ્ચે જ થઈ હતી. ભારતે કહ્યું- અમારી કાશ્મીર પર સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે, હવે માત્ર એક જ મુદ્દો બાકી છે- પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પરત લેવાનો. બીજી કંઈ વાત કરવી નથી. અમારો બીજા કોઈ વિષય પર વાત કરવાનો કોઈ ઈરાદો નથી. અમે કોઈની મધ્યસ્થી ઈચ્છતા નથી.
અમને કોઈ મધ્યસ્થની જરૂર નથી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. પીએમ મોદીએ કહ્યું હતું કે જો પાકિસ્તાન કંઈ કરશે તો તેનો જવાબ વધુ વિનાશક અને કઠોર હશે. જો ત્યાંથી ગોળી ચલાવવામાં આવશે, તો અમે અહીંથી તોપ ચલાવીશું. યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાને ૨૬ સ્થળોએ હુમલો કર્યો. ભારતે પણ તેમના ઠેકાણાઓ પર હુમલો કરીને આનો જોરદાર જવાબ આપ્યો.
મોદીએ કહ્યું- કાશ્મીર પર અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ છે, હવે ફક્ત એક જ મુદ્દો બાકી છે- પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત. આ સિવાય વાત કરવા જેવું કંઈ નથી. મારો કોઈ બીજા વિષય પર વાત કરવાનો કોઈ ઈરાદો નથી. અમે કોઈ મધ્યસ્થી કરવા માંગતા નથી. અમને કોઈની મધ્યસ્થીની જરૂર નથી.