હવે ચીનનો વારો: ચીન સમર્થિત રોકાણ સોદાઓ પર બ્રેક લાગી શકે છે?

(એજન્સી)નવી દિલ્હી, તુર્કી બાદ હવે ભારત પાકિસ્તાનના એક બીજા દોસ્ત એવા ચીનને પાઠ ભણાવવાની તૈયારીમાં છે. રિપોર્ટના અનુસાર ઓપરેશન સિંદૂર બાદ ભારત સાથેના તણાવમાં પાકિસ્તાને મોટે ભાગે તુર્કી અને ચીનના હથિયારોનો ઉપયોગ કર્યો હતો, ત્યારે પાઠ ભણાવવાનો વારો ભારતનો છે.
ભારતમાં ચીન સાથે ચાલી રહેલા રોકાણ સોદામાં વિલંબના સમાચાર છે. રિપોર્ટ્સ અનુસાર, વડા પ્રધાન મોદીની સરકાર દેશમાં ઓછામાં ઓછા ૬-૭ ચીન સમર્થિત રોકાણ સોદાઓની સમીક્ષા કરવા જઈ રહી છે, જેના કારણે તેમની મંજૂરીમાં વિલંબ થઈ શકે છે. એક અહેવાલ મુજબ, સરકાર ચીનની કંપનીઓ દ્વારા વિદેશી રોકાણ દરખાસ્તો અને સંયુક્ત સાહસોની ચકાસણી વધુ તીવ્ર બનાવી શકે છે.
રોકાણ સંબંધિત તમામ દરખાસ્તો કે જેની ચર્ચા થવાની હતી, હવે મંજૂરી મળવામાં વિલંબ થઈ શકે છે કારણ કે તેમની ફરીથી સમીક્ષા થઈ રહી છે. માહિતી અનુસાર, વર્તમાન અને ભવિષ્યમાં, ચીન સમર્થિત સંયુક્ત સાહસોને કડક પાલન આવશ્યકતાઓમાંથી પસાર થવું પડી શકે છે.
ભારતે અગાઉ એપ્રિલ ૨૦૨૦માં ચીનથી સીધા વિદેશી રોકાણ પર પ્રતિબંધ મૂક્્યો હતો, અને કહ્યું હતું કે આવા તમામ પ્રસ્તાવોની તપાસ આ માળખાના આધારે સરકાર દ્વારા કરવામાં આવે અને તેને મંજૂરી આપવામાં આવે.
આ સમય દરમિયાન, કોરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી, સ્થાનિક કંપનીઓના તકવાદી ટેકઓવરને રોકવા માટે, ભારતે તેની સાથે લેન્ડ શેર કરતા દેશો પાસેથી વિદેશી રોકાણ માટે સરકારી મંજૂરી મેળવવી ફરજિયાત બનાવી દીધી હતી. તે સમયે, ભારતના આ પગલાથી ચીન ગુસ્સે ભરાયું હતું.