ભારતના ૧૧ રાજ્યોમાં ફેલાયો કોરોનાઃ બેનાં મોત

ભારતમાં કેસો વધતાં લોકોની ચિંતા વધી- નવા વેરિયન્ટની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં
નવી દિલ્હી, ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં કેસોમાં વધારો થતાં ફરી લોકોની ચિંતા વધી ગઈ છે. સરકારી આંકડા મુજબ કોરોનાના નવા વેરિયન્ટે દેશની રાજધાની સહિત કુલ ૧૧ રાજ્યોને ઝપેટમાં લીધા છે. ડેટા મુજબ દેશમાં નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં કુલ ૨૫૭ કેસો સક્રિય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ પર ૨૦ મે સુધીના દર્શાવેલા ડેટા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૨૫૭ સક્રિય કેસો છે અને તેમાં ૧૬૪ કેસો નવા નોંધવામાં આવ્યા છે. નવા વેરિયન્ટની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મુંબઈના કિંગ એડવર્ડ મેમોરિયલ હાસ્પિટલમાં બે લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. એવું પણ કહેવાય છે કે, બંને લોકોના મોત પાછળ અન્ય કારણો કહેવાયા છે. મૃતકોમાં ૫૯ વર્ષિય એક વ્યક્તિ કેન્સરથી પીડાતા હતા, જ્યારે મૃતક ૧૪ વર્ષની કિશોરી પણ અન્ય સમસ્યાઓથી પીડાતી હોવાની માહિતી સામે આવી છે.
વર્તમાન સમયમાં કેરળમાં સૌથી વધુ ૬૯ કેસ નોંધાયા છે અને અહીં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા ૯૫ પર પહોંચી ગઈ છે. બીજા નંબરે તમિલનાડુમાં નવા ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા બાદ કુલ કેસ ૬૬, પછી મહારાષ્ટ્રમાં ૪૪ નવા કેસ નોંધાયા બાદ કુલ સંખ્યા ૫૬, ગુજરાતમાં ૬ નવા કેસ નોંધાયા બાદ કુલ કેસ ૭, હરિયાણામાં એક નવો કેસ, રાજધાની દિલ્હીમાં ત્રણ નવા સાથે કુલ પાંચ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે પુડુચેરીમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે.
કેટલાક એશિયાઈ દેશોમાં કોરોનાના કેસો વધ્યા બાદ કેન્દ્ર સરકાર એક્શમાં આવી ગઈ છે અને ૧૨ મેથી કોરોના દર્દીઓના આંકડા ફરી અપડેટ કરવાના શરુ કરી દીધા છે. અહેવાલ મુજબ દેશમાં ૧૧ રાજ્યોમાં કોરોના ફેલાયો છે, જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, તમિલનાડુ, હરિયાણા, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને કર્ણાટક સામેલ છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો હાલ ૭ એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં ૬ નવા કેસ નોંધાયા છે. છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી એક દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના ૧૨ લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્્યા છે. કુલ ૧૧૧૦૧ વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતાં કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં ૫૩ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. તેમજ ૨ દર્દીઓનું મૃત્યુ પણ થયું છે. જો કે, બંને દર્દીઓની હાલત પહેલાથી જ ગંભીર હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જ્યારે બીજા દર્દીને કિડનીની સમસ્યા હતી.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ પથારી અને ખાસ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ કોવિડ-૧૯ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સતત દેખરેખ રાખી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૫ સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી છે. જોકે, મે મહિનાથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર નાગરિકોને ન ગભરાવાની અપીલ કરી રહ્યું છે.
માત્ર ભારત જ નહીં અન્ય દેશોમાં પણ કોરોના કેસોમાં વધારો થયો છે. હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં ૩૦ ગણો વધારો થયો છે. હોંગકોંગે ૧૦ મે ૨૦૨૫ના રોજ કોરોનાના કુલ ૧૦૪૨ કેસ રિપોર્ટ કર્યા. ગયા સપ્તાહે આ આંકડો ૯૭૨ હતો. માર્ચના પ્રારંભમાં આ કેસ ફક્ત ૩૩ હતા.
સિંગાપોરમાં કોરોનાના કેસ ૨૭મી એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં ૧૧,૧૦૦ હતા. હવે તે ત્રણ અઠવાડિયામાં વધીને ૧૪૨૦૦ થઈ ગયા. આમ એક અઠવાડિયામાં સીધો ૩૦ ટકા ઉછાળો જોવા મળ્યો. હાસ્પિટલમાં દરરોજે ભરતી થતાં દર્દીઓની સંખ્યા પ્રતિ દિન ૧૦૨થી વધીને ૧૩૩ થઈ. સરકારનું કહેવું છે કે કોરોનાના કેસોમાં આવેલા ઉછાળા પાછળ ઘણા કારણ હોઈ શકે છે.
તેમાં વેક્સિનની કેળવાયેલી પ્રતિકારકતા ધીમે-ધીમે ખતમ થવી. હાલમાં સિંગાપોરમાં જે કોવિડ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે એલએફ-૭ અને એનબી ૧.૮ છે. બંને જેએન૧ વેરિયન્ટની આગામી પેઢીના છે. અહીં ઉલ્લેખનીય છે કે જેએન-૧ વેરિયન્ટનો ઉપયોગ જ કોવિડ વેક્સીન બનાવવામાં થયો હતો. થાઈલૅન્ડમાં પણ રજાઓ પછી કોરોનાના કેસ વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં કોરોનાના ૭૧૦૬૭ કેસ અને ૧૯ મોતનો રિપોર્ટ છે. ભારતમાં હજી સુધી સુધી આવો કોઈ ઉછાળો જોવા મળ્યો નથી. ભારતમાં ૧૦ મે સુધી કોરોનાના નોંધાયેલા દર્દીઓની સંખ્યા ૯૩ છે.
કોવિડ-૧૯ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો થાય છે. આ સાથે ક્્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન અનુભવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે.
આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં તકલીફ એ એક મોટો ખતરાની નિશાની છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો દેખાય છે, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હાસ્પિટલ અથવા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.