ભારત ક્રિકેટ અને હોકીના વર્લ્ડકપની યજમાની કરશે
(એજન્સી)નવી દિલ્હી, નવું વર્ષ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સથી ભરેલું રહેશે. વર્ષ ૨૦૨૩માં ચાર વર્લ્ડ કપ રમાશે. આ સિવાય પહેલીવાર મહિલા અંડર-૧૯ વર્લ્ડ કપ અને મહિલા IPL પણ રમાશે.
ભારત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ, હોકી વર્લ્ડ કપ, વર્લ્ડ બોક્સિંગ અને શૂટિંગ વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટનું આયોજન કરશે. ભારત આ વર્ષે ૪ મોટી વિશ્વ ટુર્નામેન્ટ અને એક એશિયન ચેમ્પિયનશિપની યજમાની કરશે. જાન્યુઆરીમાં હોકી વર્લ્ડ કપ, માર્ચમાં મહિલા વર્લ્ડ બોક્સિંગ, ઓગસ્ટમાં શૂટિંગ વર્લ્ડ કપ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ક્રિકેટ વર્લ્ડ કપ યોજાશે.
દર ૪ વર્ષે યોજાતો હોકી વર્લ્ડ કપ આ વર્ષે ભારતમાં યોજાશે. આ ટુર્નામેન્ટ ૧૩ થી ૨૯ જાન્યુઆરી સુધી ઓડિશાના ભુવનેશ્વર અને રાઉરકેલામાં યોજાશે. ૧૬ ટીમોને ૪ અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ ડીમાં ઈંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ સાથે છે. ભારત આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ૧૩મી આવૃત્તિની યજમાની કરશે. ભારતે અગાઉ ૧૯૮૭, ૧૯૯૬ અને ૨૦૧૧માં પણ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું.