‘સુદર્શન ચક્ર’ દુશ્મનના વિમાનોનો ખાતમો કરી નાંખશે
સુદર્શન ચક્ર એટલે કે એસ-૪૦૦ એડી વિશ્વનું સૌથી ખતરનાક એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ છે.
(એજન્સી)નવી દિલ્હી, ભારતીય વાયુ સેનાએ તાજેતરમાં દુશ્મનના ૮૦% વિમાનનો ખાતમો કરી નાખતા ‘સુદર્શન ચક્ર’નું સફળ પરીક્ષણ કર્યું છે. ટેસ્ટિંગ દરમિયાન ‘સુદર્શન ચક્ર’ તરફ દુશ્મનના રાફેલ, સુખોઈ અને મિગ ફાઈટર જેટ મોકલાયા હતા, જોકે આ હથિયારે તુરંત કાર્યવાહી કરી હતી અને આમાંથી ૮૦ ટકા ટાર્ગેટને તોડી પાડ્યા હતા.
સુદર્શન ચક્ર એટલે કે એસ-૪૦૦ એડી વિશ્વનું સૌથી ખતરનાક એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ છે. ભારત પાસે આવા ત્રણ સુદર્શન ચક્ર છે, જ્યારે બે રશિયાથી આવવાના છે. આજે જે પરીક્ષણ કરવામાં આવ્યું છે, તેમાં વાયુસેનાના રાફેલ, જી-૩૦ અને મિગ વિમાનોને દુશ્મનના ફાઈટર જેટ બનાવાયા હતા, તેને સુદર્શન ચક્રએ તોડી પાડ્યા છે. આજના ટેસ્ટિંગ દરમિયાન સિમ્યુલેટેડ થિયેટર લેવલનો યુદ્ધાભ્યાસ કરાયો હતો.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રવાસે ગયા હતા, જ્યાં રશિયાએ વિશ્વાસ આપ્યો હતો કે, બાકીના બે સુદર્શન ચક્ર અને જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ૨૦૨૫ અને ૨૦૨૬માં ભારત મોકલવામાં આવશે. યૂક્રેન સાથે યુદ્ધ ચાલતુ હોવાથી રશિયાએ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ મોકલવામાં વિલંબ કર્યો છે. ભારતે આ હથિયારનું પરીક્ષણ કરી દુશ્મન દેશ પાકિસ્તાન અને ચીનનું પણ ટેન્શન વધારી દીધું છે.
કારણ કે, ભારત પાસે એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ હોવાથી ચીન અથવા પાકિસ્તાન સરહદ પાસે નાપાક હરકત પણ નહીં કરી શકે. આ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમના બાકીના યુનિટ્સ આવવાથી દેશની સુરક્ષા અભેદ્ય બની જશે. એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમના ઓપરેટર્સની ટ્રેનિંગ પણ પુરી થઈ ગઈ છે.