ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું

નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના રાજદૂતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. ભારતે કહ્યું કે ભારત જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો દ્વારા પાકિસ્તાનના આતંકવાદી કૃત્યોનો ભોગ બન્યું છે. આ એક મોટી વિડંબના છે કે આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર (પાકિસ્તાન) આ ખતરા સામે લડવાનો દાવો કરીને પોતાની પીઠ થપથપાવે છે.
ચીનની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે જમ્મુ અને કાશ્મીર પર ટિપ્પણી કરી હતી. આ પછી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત પર્વતનેની હરીશે દેશનું વલણ કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે, જે ૨૦થી વધુ યુએન-લિસ્ટેડ આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે અને સરહદ પાર આતંકવાદને સમર્થન પૂરું પાડે છે.હરીશે જણાવ્યું હતું કે આતંકવાદનો ગમે તે ઉદ્દેશ્ય હોય તેને વાજબી ઠેરવી શકાય નહીં.
આ સંગઠન સારા અને ખરાબ આતંકવાદીઓ વચ્ચે કોઈ ભેદ કરી શકતું નથી. ડારે આ તરફ ધ્યાન આપવું જોઈએ અને કાઉન્સિલનો સમય બગાડવો જોઈએ નહીં. જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ હતો, છે અને રહેશે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, હવે વધુ વ્યાપક સર્વસંમતિ બનાવવાનો સમય આવી ગયો છે જેથી સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદમાં વિશ્વાસ અકબંધ રહે.
મંગળવારે વૈશ્વિક શાસનના સુધારા પર એક બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, જિયોસ્ટ્રેટેજિક વાસ્તવિકતાઓને અનુરૂપ સુરક્ષા પરિષદને વધુ મોટી અને વધુ સમાવિષ્ટ બનાવવી જોઈએ. હવે આપણે આ ગતિ જાળવી રાખવી પડશે અને પ્રાદેશિક જૂથો અને સભ્ય દેશો વચ્ચે વ્યાપક સર્વસંમતિ બનાવવી પડશે જેથી સુધારા પ્રક્રિયાને આગળ ધપાવી શકાય.SS1MS