ભારત કોઈના લમણે બંદૂક મૂકીને વેપાર નથી કરતું

નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાના તમામ દેશો પર ટેરિફની જાહેરાત વચ્ચે ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, ભારત અને અમેરિકાની વચ્ચે એક વ્યાપાર કરારને લઈને વાટાઘાટો ચાલી રહી છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારતના હિત સર્વાેપરી રહેશે અને કોઈના પણ દબાણમાં આવીને વાટાઘાટો નહીં કરીએ. ગોયલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, ‘મેં પહેલા પણ અનેકવાર કહ્યું છે કે, ભારત બંદૂકની અણીએ વેપાર નથી કરતું. સમયમર્યાદા સારી હોય છે કારણ કે, તે વાતચીતને વેગ આપે છે પણ જ્યાં સુધી અમે દેશ અને પ્રજાના હિતોની રક્ષા કરવામાં સક્ષમ ન થઈએ ત્યાં સુધી ઉતાવળ કરવી યોગ્ય નથી.
ભારત અને અમેરિકા વચ્ચે તમામ વેપાર અંગેની વાતચીત ઈન્ડિયા ફર્સ્ટની ભાવના સાથે વિકસિત ૨૦૪૭ની દિશામાં આગળ વધી રહી છે.’કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને છોડીને બાકી તમામ દેશો પર લગાવવામાં આવેલાં પારસ્પરિક ટેરિફ પર રોક લગાવવાની જાહેરાત કરી છે.
ચીન પર હવે ૧૪૫ ટકા ટેક્સ લગાવવામાં આવશે. ભારત સહિત ૭૫ દેશોને ટેરિફથી હવે ૯૦ દિવસોની રાહત મળી છે. ભારત અને અમેરિકાએ આ વર્ષે પાનખર (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધી પોતાના વેપાર કરારના પહેલાં તબક્કાને અંતિમ રૂપ આપવાનું લક્ષ્ય રાખ્યું છે અને ૨૦૩૦ સુધી દ્વિપક્ષીય વ્યાપારને વર્તમાન ૧૯૧ અબજ ડોલરથી વધારીને ૫૦૦ અબજ ડોલર કરવાની યોજના છે.
ભારત અને વોશિંગ્ટને હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં થયેલી બેઠક બાદ ૨૦૨૫ના પાનખર સુધી દ્વિપક્ષીય વેપાર કરારના પહેલાં તબક્કાની વાતચીત પૂર્ણ કરવા પર સંમતિ દર્શાવી છે.
ભારત-યુરોપિયન સંઘ વેપાર કરાર અંગે ગોયલે કહ્યું કે, ‘જ્યારે બંને પક્ષ એકબીજાની ચિંતા અને જરૂરિયાતો પ્રતિ સંવેદનશીલ હોય છે, ત્યારે વાટાઘાટો આગળ વધે છે. મુક્ત વેપાર કરારને ઝડપથી નિષ્કર્ષ સુધી પહોંચાડવા કડક પગલાં લેવાની જરૂર છે.’
આ કરાર પર ટિપ્પણી કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારતે અમેરિકા અને યુરોપિયન સંઘ બંને સાથે વેપાર કરારને લઈને ઝડપી પ્રયાસ હાથ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતના પ્રસ્તાવો પર તત્પરતાથી પ્રતિક્રિયા આપી છે.
પ્રશાસનમાં બદલાવના એક મહિનાની અંદર જ અમારી વચ્ચે આ વાત પર સૈદ્ધાંતિક સહમતિ સધાઈ ગઈ છે કે, અમે એક દ્વિપક્ષીય વેપાર કરાર કરીશું અને સમાધાન નીકાળીશું જે બંને પક્ષો માટે કામ કરે કારણ કે, અમારી ચિંતાઓ પણ છે. આ પ્રક્રિયા અનિશ્ચિતકાળ માટે નથી.SS1MS