મોદીના શાસનમાં ભારતને પોતાની હિંમત અને શક્તિઓની અનુભૂતિ થઇ
નવી દિલ્હી, ભાજપનો ૪૪મો સ્થાપના દિવસ અને સનાતન ધર્મના પ્રિય એવા બજરંગ બલિની જન્મજયંતિ એક જ દિવસે આવી તે માત્ર એક સંયોગ હતો કે નિયતિનો કોઇ નિશ્ચિત સંકેત હતો! ગમે તે હોય, પીએમ મોદીનું ભાષણ અને તેમા હનુમાનજીના જીવનની અસંખ્ય વાતોનો સમાવેશ ખૂબ જ સરળ, સ્વાભાવિક અને સ્વીકાર્ય હતી. હનુમાનજીની કાર્યશૈલી અને ભાજપની કાર્યશૈલી વચ્ચે સમાંતર શોધવું અને સ્થાપિત કરવું મુશ્કેલ ન હતું.
હનુમાનજીનું જીવન ઘણા કેસ સ્ટડીનો વિષય રહ્યું છે. મેનેજમેન્ટ ગુરુઓ તેમના પ્રવચનોમાં આ અંગે ઘણો ઉલ્લેખ કરતા આવ્યાં છે અને કરતા રહેશે. શ્રી હનુમાનજીનું સૂત્ર છે, ‘રામ કાજ કીન્હે બિનુ, મોહિ કહાં બિશ્રામ’ એટલે હનુમાનજી કોઈ આરામ કર્યા વગર સતત રામજીના કામમાં લાગેલા રહે છે.
હનુમાનજીનો જન્મ રામકાજ માટે જ થયો હતો. તેમનો અવતાર રામ-કાજ માટે છે, તેમની આતુરતા રામ-કાજ માટે છે, હકીકતમાં તેમની સમગ્ર ચેતના જ રામ-કાજ માટે જ છે. પીએમ મોદીએ કહ્યું, હનુમાનજીનું જીવન, તેમના જીવનની મુખ્ય ઘટનાઓ આજે પણ ભારતની વિકાસ યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. હનુમાનજી પાસે અપાર શક્તિ છે પરંતુ તેઓ આ શક્તિનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની આત્મશંકાનો અંત આવે. આઝાદી પહેલા અને ખાસ કરીને ૨૦૧૪ પહેલા ભારતની આવી જ હાલત હતી. દેશનો નાગરિક અપાર ક્ષમતાથી ભરેલો હતો, પણ અનેક શંકાઓથી ઘેરાયેલો હતો. શ્રી રામચરિત માનસનો એક પ્રસંગ યાદ કરો.
માતા સીતાના અપહરણ પછી, ઘણા વાનર-રીંછના જૂથો બનાવીને તેમની શોધમાં જુદી જુદી દિશામાં મોકલવામાં આવ્યા હતા. એક સમૂહ, જેમાં જાંબવંત, હનુમાન અને કિષ્કિંધાના યુવરાજ અંગદ વગેરે પણ હિંદ મહાસાગરના કિનારે ઉદાસ અને દુઃખી થઈને ઊભા હતા. જ્યારે મહાસાગર પાર કરવા જેવી મુશ્કેલ સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે હતાશ અને નિરાશ થવું સ્વાભાવિક છે. અફાટ સાગર અને તેનો અનંત વિસ્તાર – બધા નિરાશામાં ડૂબી ગયા હતા.
જીવનમાં ઘણી વખત આપણે આપણી જાતને આવી પરિસ્થિતિમાં શોધીએ છીએ. સામે મંઝિલ છે પણ રસ્તો નથી. હનુમાનજી શાપિત હતા કે, જ્યારે તેમને તેમની અસીમ શક્તિની જરૂર હશે ત્યારે તેઓને તે શક્તિ યાદ નહીં હોય.
શું ૨૦૧૪ પહેલા આપણું ભારત કંઈક આવું નહોતું? આતંકવાદને આશ્રય અને પાળનારી શક્તિઓ જ્યારે ઇચ્છે ત્યારે આપણા દેશની શાંતિ લઇ લેતી હતી અને આપણે સૌ મૂંગા દર્શકની જેમ આ તમાશો જાેતા હતા. સરકાર આતંકવાદને ‘સખત શબ્દોમાં’ વખોડીને ગોખાયેલા સ્ટેટમેન્ટ જાહેરમાં બોલતી હતી અને તેની સાથે જ તેની જાણે ફરજ પૂરી થઇ જતી હોય તેમ પૂર્ણવિરામ મૂકી દેવામાં આવતું. ડેમેજ-કંટ્રોલનો બીજાે કોઈ રસ્તો જ નહોતો.
તેથી રામાયણના સંદર્ભમાં, જૂના જાંબવંતે હનુમાનને તેમની અમર્યાદિત શક્તિની યાદ અપાવી. જાંબવંતે હનુમાનને નિરાશા અને હતાશાનો ત્યાગ કરીને પોતાની શક્તિને જાગૃત કરવા અને અંદર છુપાયેલી શક્યતાઓને ઓળખવા માટે પ્રેરિત કર્યા. ૨૦૧૪માં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર આવી તે પહેલા આપણો દેશ પણ આવી જ હાલતમાં હતો. આજે એ જ ભારત વિશ્વગુરુ બનવાનું સપનું જુએ છે અને આ સપના શેખચિલ્લીના ખાલી સપના નથી, પરંતુ તેના સાકાર થવાની સંભાવના ઘણી વધારે છે.SS1MS