ભારતમાં મીડિયા- એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વની ક્ષમતાઃ વૈષ્ણવ

મુંબઈ, મુંબઈમાં યોજાઈ રહેલી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્ઝ)માં નવા જાહેર કરાયેલાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટીવ ટેન્કોલોજી સાથે કામ કરવા માટે વૈશ્વિક કંપનીઓ ઉત્સુક હોવાનું કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ લેવાની ક્ષમતા ધરાવે છે.
આ સંસ્થા આ દિશામાં ભરાયેલું પ્રથમ પગલું છે.વેવ્ઝ સમિટમાં સાત અગ્રણી કંપનીઓ જીઓસ્ટાર, ગૂગલ, એડોબ, મેટા, એપલ, એનવિડિયા તથા માઈક્રોસોફ્ટે આઈઆઈસીટી સાથે કામ કરવા માટે લેટર ઓફ ઈન્ટેન્ટ આપ્યાં બાદ વૈષ્ણવે આ નિવેદન આપ્યું હતું.
વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ઈન્સ્ટિટ્યૂટ એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટસ, ગેમિંગ, કોમિક્સ તથા એક્સટેન્ડેડ રિઆલિટી (એવીજીસી-એક્સઆર)ક્ષેત્રે દેશનું મુખ્ય કેન્દ્ર બનશે. આપણાં દેશના યુવા સર્જકોને ભવિષ્ય માટે સજ્જ બનાવવા માટે આઈઆઈસીટી આ ઉદ્યોગના લોકો સાથે મળીને કામ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન સાથે આઈઆઈસીટીના સહયોગ માટેની પણ વાટાઘાટો ચાલી રહી છે. આ મુદ્દે વૈષ્ણવે શુક્રવારે ડબલ્યુઆઈપીઓના મહાસચિવ ડેરેન ટેંગ સાથે મંત્રણા પણ કરી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ફિક્કી અને સીઆઈઆઈના સહયોગથી આઈઆઈસીટીની સ્થાપના નેશનલ સેન્ટર ફોર એક્સેલન્સ તરીકે કરાઈ રહી છે.
ભારતમાં આશરે ૪ કરોડથી વધુ ક્રિએટર્સ હોવાનું જણાવતાં વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ઉત્સાહી સર્જકોએ ક્રિએટ ઈન્ડિયા ચેલેન્જીસમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.SS1MS