ભારતે ચીનની પાંચ પ્રોડક્ટ્સ પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદી

નવી દિલ્હી, ભારતે ચાલુ મહિને અત્યાર સુધી વેક્યુમ ફ્લાસ્ક અને એલ્યુમિનિયમ ફોઇલ સહિત ચીનની પાંચ પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદી છે.
ચીનની સસ્તી આયાતોના ઘોડાપૂરથી સ્થાનિક ઉદ્યોગને રક્ષણ આપવા માટે સરકારે આ પગલું લીધું છે. ચીન તેની સસ્તી પ્રોડક્ટ્સનું ભારતના બજારમાં ડમ્પિંગ કરતું હતું અને સરકારે વાણિજ્ય મંત્રાલયની ભલામણને પગલે આ નિર્ણય કર્યાે છે.
ભારતે સોફ્ટ ફેરાઇટ કોર, ચોક્કસ જાડાઈના વેક્યુમ ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક, એલ્યુમિનિયમ ફોઇલ, ટ્રાઇક્લોરો આઇસોસાયનુરિક એસિડ અને પોલી વિનાઇલ ક્લોરાઇડ પેસ્ટ રેઝિન સહિતની પાંચ ચીની પ્રોડક્ટ્સ પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદી છે. ચીન ભારતમાં સામાન્ય ભાવ કરતાં નીચા ભાવે આ પ્રોડક્ટ્સની નિકાસ કરતું હોવાને કારણે ભારતે આ પગલું લીધું છે.
એક અલગ નોટિફિકેશનમાં મહેસૂલ વિભાગના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે જણાવ્યું હતું કે સોફ્ટ ફેરાઇટ કોર, વેક્યુમ ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક અને ટ્રાઇક્લોરો આઇસોસાયનુરિક એસિડની આયાત પર પાંચ વર્ષ માટે ડ્યૂટી વસૂલમાં આવશે.
એલ્યુમિનિયમ ફોઇલ પર છ મહિના માટે કામચલાઉ ધોરણે પ્રતિટન ૮૭૩ ડોલર સુધીની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે. સરકારે ચીન અને જાપાનથી ટ્રાઇક્લોરો આઇસોસાયનુરિક એસિડ (જળ શુદ્ધિકરણ રસાયણ)ની આયાત પર પ્રતિ ટન ૨૭૬થી થી ૯૮૬ ડોલર સુધીની ડ્યુટી લાદી છે.
સોફ્ટ ફેરાઇટ કોર્સની આયાત પર સીઆઈએફ (કોસ્ટ ઇન્શ્યોરન્સ ફ્રેઇટ) મૂલ્ય પર ૩૫ ટકા સુધીની ડ્યુટી લાદવામાં આવી છે. તેવી જ રીતે વેક્યુમ ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક પર પ્રતિ ટન ૧,૭૩૨ ડોલર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે.
પોલી વિનાઇલ ક્લોરાઇડ પેસ્ટ રેઝિન પર પાંચ વર્ષ માટે ચીન, કોરિયા, મલેશિયા, નોર્વે, તાઇવાન અને થાઇલેન્ડથી થતી આયાત પર પ્રતિ ટન ૮૯થી ૭૦૭ ડોલર સુધીની ડ્યૂટી લાદવામાં આવી છે.
વાણિજ્ય મંત્રાલયની તપાસ શાખા ડીજીટીઆર (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ)ની ભલામણો પછી આ ડ્યૂટી લાદવામાં આવી છે. સામાન્ય રીતે સસ્તી આયાતોથી સ્થાનિક ઉદ્યોગોને મોટું નુકસાન થયું હોય છે ત્યારે એન્ટિ ડમ્પિંગની તપાસ કરવામાં આવતી હોય છે અને પછી સ્થાનિક ઉદ્યોગને રક્ષણ આપવા માટે ડ્યૂટી લાદવામાં આવતી હોય છે.
જીનીવા સ્થિત વિશ્વ વેપાર સંગઠનની મલ્ટિલેટરલ સિસ્ટમ હેઠળ આવા પગલાં લઇ શકાય છે. આવી ડ્યૂટીનો ઉદ્દેશ્ય વાજબી વેપાર પ્રથાઓ સુનિશ્ચિત કરવાનો તથા વિદેશી ઉત્પાદકો અને નિકાસકારોની સરખામણીમાં સ્થાનિક ઉત્પાદકો માટે સમાન તક ઊભી કરવાનો છે.
ભારતે ચીન સહિત વિવિધ દેશોમાંથી થતી સસ્તી આયાતનો સામનો કરવા માટે અગાઉ પણ અનેક પ્રોડક્ટ્સ પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે. ભારત અને ચીન બંને ડબલ્યયુટીઓના સભ્ય દેશો છે. ચીન ભારતનો બીજો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે. ચીન સાથે ભારતની વેપાર ખાધ ઘણી ઊંચી છે અને ભારતે વારંવાર આ અંગે ચિંતા વ્યક્ત કરેલી છે. ૨૦૨૪-૨૪ના નાણાકીય વર્ષમાં ચીન સાથે ભારતની વેપાર ખાધ ૮૫ અબજ ડોલર હતી.SS1MS