Western Times News

Gujarati News

ખાદ્ય ચીજો સસ્તી થઈ: જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં ઘટી ૨.૦૫ ટકા થઈ

AI Image

નવીદિલ્હી, દેશમાં ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાના કારણે જથ્થાબંધ મોંઘવારી માસિક ધોરણે ઘટી છે. માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી ૨.૦૫ ટકા થઈ હતી. જે ફેબ્રુઆરીમાં ૨.૩૮ ટકા હતી. કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જારી આંકડાઓ અનુસાર, જથ્થાબંધ ફુગાવો વાર્ષિક ધોરણે વધ્યો છે. જે માર્ચ, ૨૦૨૪માં ૦.૨૬ ટકા સામે અધધધ વધી માર્ચ, ૨૦૨૫માં ૨.૦૫ ટકા થયો છે.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જથ્થાબંધ મોંઘવારીમાં ઘટાડા પાછળનું કારણ ઉત્પાદિત ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદિત ચીજો, ફૂડ આર્ટિકલ્સ, વીજ, અને કપડાંના ભાવોમાં ઘટાડો છે. માર્ચમાં ખાદ્ય ચીજોનો જથ્થાબંધ ફુગાવો ૧.૫૭ ટકા નોંધાયો છે. જે ફેબ્રુઆરીમાં ૩.૩૮ ટકા હતો.શાકભાજીના ભાવોમાં ધરખમ ઘટાડાના કારણે ખાદ્ય ચીજોમાં મોંઘવારી દર ઘટ્યો છે. માર્ચમાં શાકભાજીના ભાવમાં મંદી જોવા મળી છે.

જે ફેબ્રુઆરીમાં ૫.૮૦ ટકા સામે માર્ચમાં -૧૫.૮૮ ટકા થઈ છે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્‌સનો જથ્થાબંધ ફુગાવો વધી ૩.૦૭ ટકા થયો છે. ઈંધણ અને વીજના ભાવોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. જેમાં માર્ચમાં ફુગાવો ૦.૨૦ ટકા નોંધાયો છે. જેમાં ફેબ્રુઆરીમાં ૦.૭૧ ટકાનો ડિફ્લેશન હતો.

ભારતની વેપાર ખાધ માર્ચમાં વધી ૨૧.૫૪ અબજ ડોલર થઈ છે. જે ફેબ્રુઆરીમાં ૧૪.૦૫ અબજ ડોલર હતી. વાર્ષિક ધોરણે પણ વેપાર ખાધમાં વધારો થયો છે. જે માર્ચ, ૨૦૨૪માં ૧૫.૩૪ અબજ ડોલર હતી. દેશમાંથી માર્ચમાં ૪૧.૯૭ અબજ ડોલરની નિકાસ થઈ હતી. જેની સામે આયાત ૬૩.૫૧ અબજ ડોલરની રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.