Western Times News

Gujarati News

શ્રીલંકાને ૮૨ રને કચડીને ભારત નેટ રનરેટમાં આગળ

દુબઈ, યુએઈમાં રમાઈ રહેલા મહિલા ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં દુબઈ ખાતે બુધવારે રમાયેલી ગ્રુપ મેચમાં ભારતે શ્રીલંકા વિમેન્સને ૮૨ રને કચડીને નેટ રનરેટમાં નોંધપાત્ર સુધારો કરવાની સાથે સેમિફાઈનલની આશા જીવંત રાખી હતી.

ભારતનો ટુર્નામેન્ટના ઈતિહાસમાં આ સૌથી ભવ્ય વિજય રહ્યો હતો. ભારતે સુકાની અને પ્લેયર ઓફ ધ મેચ હરમનપ્રીત કૌરની અણનમ ફિફ્ટી તથા ઓપનર સ્મૃતિ મંધાનાની અધડી સદીની મદદથી ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૭૨ રનનો સ્કોર રજૂ કર્યો હતો.

જવાબમાં ચમારી અટાપટ્ટુના નેતૃત્વ હેઠળની એશિયન ચેમ્પિયન શ્રીલંકન ટીમ ૯૦ રનમાં જ સમેટાતા ભારતનો ૮૨ રને શાનદાર વિજય થયો હતો. એ ગ્રૂપમાં ભારત ત્રણ પૈકી સળંગ બે મેચમાં વિજય મેળવીને +૦.૫૭૬ની નેટ રનરેટ ધરાવે છે. ગ્›પમાં ટોચના ક્રમે રહેલા ઓસ્ટ્રેલિયા (+૨.૫૨૪) બાદ ભારત બીજા ક્રમે છે.

હવે ભારત ઓસ્ટ્રેલિયાને અંતિમ  ગ્રૂપ મકુબાલામાં હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકશે. જો ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થાય છે તો અન્ય મેચના પરિણામને આધારે ભારતની સેમિફાઈનલની રાહ નક્કી થશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો.

ઓપનર શેફાલી (૪૩) તથા સ્મૃતિએ (૫૦) પ્રથમ વિકેટ માટે ૯૮ રનની ભાગીદારી નોંધાવીને મજબૂત પાયો નાંખ્યો હતો. ૧૩મી ઓવરમાં સળંગ બે બોલ પર ભારતે બંને ઓપનર ગુમાવી હતી. સુકાની હરમનપ્રીત કૌર અગાઉ પાકિસ્તાન સામેની મેચમાં રિટાયર્ડ હર્ટ થયા બાદ ફિટ થઈને પરત ફરતા ૨૭ બોલમાં ૫૨ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થયો હતો.

જેમિમાહે ૧૦ બોલમાં ૧૬ રન ફટકારી ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. શ્રીલંકા તરફથી અટાપટ્ટુ અને કંચનાએ એક-એક સફળતા પ્રાપ્ત કરી હતી. શ્રીલંકાની રમતમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળ્યો હતો. ઈનિંગ્સના બીજા બોલ પર રેણુકાની ઓવરમાં સબસ્ટિટ્યુટ રાધાએ ગુણારત્નેનો શાનદાર કેચ ઝડપ્યો હતો.

પ્રારંભિક છ ઓવરમાં ફક્ત ૨૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સમયાંતરે શ્રીલંકાની વિકેટનું પતન ચાલુ રહ્યું હતું. કાવિશા (૨૧), અનુષ્કા (૨૦) તથા કંચના (૧૯)ને બાદ કરતા અન્ય બેટર્સ બે આંકડા સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. ભારતીય વિમેન્સ ટીમે તમામ ક્ષેત્રે ભૂલોને સુધારીને ઓલરાઉન્ડ દેખાવ થકી ૮૨ રને વિજય મેળવ્યો હતો. અરૂંધતિ રેડ્ડી અને આશા શોભનાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. રેણુકાએ બે તેમજ શ્રેયંકા અને દીપ્તિએ એક-એક વિકેટ ખેરવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.