ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ભારતે આ કારણોસર ગુમાવી હતી
કોહલીની ઉશ્કેરણીથી બેરસ્ટોને સદી માટે પ્રેરણા મળી ઃ એન્ડરસન-કોહલી-બેરસ્ટો વચ્ચે મેદાન પર ચડભડ થઈ હતી,જેમાં બેરસ્ટોને કોહલીએ ચૂપચાપ બેટિંગ કરવા ઈશારો કર્યો હતો
નવી દિલ્હી, ઈંગ્લેન્ડ સામે રમાયેલી એક માત્ર ટેસ્ટમાં ભારતે જીતની બાજી ગુમાવી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ માટે બંને ઈનિંગમાં સદી ફટકારનાર જાેની બેરસ્ટો હિરો સાબીત થયો હતો.
આ ટેસ્ટમાં એક તબક્કે વિરાટ કોહલી અને બેરસ્ટો વચ્ચે મેદાન પર ચડભડ પણ થઈ હતી.જેમાં બેરસ્ટોને કોહલીએ મોઢા પર આંગળી મુકીને ચૂપચાપ બેટિંગ કરવાનો પણ ઈશારો કર્યો હતો.
આ મેચમાં પણ કોહલીના બેટમાંથી રન નહોતા નિકળ્યા ત્યારે હવે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કોહલીના ઘા પર મીઠુ ભભરાવતુ નિવેદન કરીને કહ્યુ છે કે, વિરાટ કોહલીના કારણે જ બેરસ્ટોને ભારત સામે સદી ફટકારવાની પ્રેરણા મળી હતી. વિરાટ સાથે બોલાચાલી થઈ તે પહેલા બેરસ્ટોનો સ્ટ્રાઈક રેટ ૨૦ની આસપાસ હતો અને એ પછી તેણે ૧૫૦ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી.
દરમિયાન બંને ઈનિંગમાં સદી ફટકારનાર બેરસ્ટોએ કહ્યુ હતુ કે, બાયો બબલમાંથી આઝાદ થવાની અસર બેટિંગ પર પડી રહી છે અને હરવા ફરવાની, પરિવાર સાથે રહેવાની આઝાદી મળી છે. જેની હકારાત્મક અસર ખેલાડીઓના દેખાવ પર પડી છે.