ભારતે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી રોક્યું

ચિનાબ જળસંધિ હેઠળ ઉલ્લેખિત છ નદીઓમાંથી એક છે: આ એક પશ્ચિમી નદી છે અને સંધિ મુજબ, ભારત આ નદીના પાણીનો ઉપયોગ જળવિદ્યુત ઉત્પાદન માટે કરી શકે છે
(એજન્સી)નવી દિલ્હી, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. બંને દેશોની સેનાઓ સામસામે છે. હવે ભારતે ચિનાબ નદી પર આવેલો ડેમ બંધ કરી દીધો છે. સિંધુ જળસંધિ તોડ્યાના લગભગ ૧૦ દિવસની અંદર ભારત સરકારે આ પગલું ભર્યું છે. આનાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચિનાબ નદીમાંથી મળતા પાણીના પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે.
અહેવાલ અનુસાર, ભારતે ચિનાબ નદી પર બનેલા બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા છે. જેના કારણે પાકિસ્તાન તરફ વહેતા ચિનાબ નદીના પાણીમાં ભારે ઘટાડો થયો છે. ચિનાબ પરનો બગલીહાર ડેમ નદીના પ્રવાહમાં વહેતા હાઇડ્રો પાવર પ્લાન્ટ તરીકે બનાવવામાં આવ્યો હતો. એટલે કે અત્યાર સુધી આ બંધમાંથી પાણીનો પ્રવાહ રોકી રહ્યો ન હતો.
પાણીના પ્રવાહમાં વિક્ષેપ પાડ્યા વિના વીજળી ઉત્પન્ન થઈ રહી હતી. ચિનાબ જળસંધિ હેઠળ ઉલ્લેખિત છ નદીઓમાંથી એક છે. આ એક પશ્ચિમી નદી છે અને સંધિ મુજબ, ભારત આ નદીના પાણીનો ઉપયોગ જળવિદ્યુત ઉત્પાદન માટે કરી શકે છે. અહેવાલો અનુસાર, પહલગામ હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.
સિંધુ સંધિ તથા વિઝા રદ થયા બાદ પણ અનેક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. બંને દેશોએ એકબીજા માટે એરસ્પેસ બંધ કર્યું છે. એવામાં આજે ભારતે ત્રણ મોટા નિર્ણય લીધા છે. ત્યારે ભારત સરકારે નિર્ણય લીધો છે કે હવે પાકિસ્તાની ધ્વજ લહેરાવતા કોઈપણ વેપારી જહાજને ભારતીય બંદરોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત ભારતીય જહાજોને પાકિસ્તાનના કોઈપણ બંદર પર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશ શિપિંગ મહાનિર્દેશાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સાથેની તમામ ટપાલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. બંને દેશો વચ્ચે વધતાં તણાવ અને પાકિસ્તાનની સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય ટપાલ વિભાગે પુષ્ટિ આપી છે કે હવે પાકિસ્તાનમાં કોઈ પત્ર, પાર્સલ કે રજિસ્ટર્ડ પોસ્ટ મોકલવામાં આવશે નહીં અને ભારતમાં પાકિસ્તાનથી કોઈપણ ટપાલ સેવા સ્વીકારવામાં આવશે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા કારણો અને રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનથી સીધા અથવા કોઈપણ રીતે આવતા તમામ પ્રકારના માલની આયાત પર પ્રતિબંધ મૂક્્યો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા બીજી મેના રોજ જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, આ નિર્ણયને વિદેશી વેપાર નીતિ – હ્લ્ઁ ૨૦૨૩માં સુધારો કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ હેઠળ, હવે પાકિસ્તાનથી આવતા કોઈપણ ઉત્પાદનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, પછી ભલે તે સીધી આયાત હોય કે પરોક્ષ રીતે ત્રીજા દેશ દ્વારા આ પ્રતિબંધ ૨૦૨૩ની વિદેશ વેપાર નીતિમાં નવી જોગવાઈ તરીકે ઉમેરવામાં આવ્યો છે.