મોદી છે ત્યાં સુધી ભારત-પાક. વચ્ચે સીરીઝ નહીં -શાહિદ આફ્રિદીએ પ્રતિક્રિયા આપી
ભારત-પાકિસ્તાનની વચ્ચે ગત ૧૩ વર્ષથી કોઈ ટેસ્ટ રમાઈ નથી, છેલ્લીવાર બંને દેશોની વચ્ચે ૨૦૦૭માં રમાઈ હતી
નવી દિલ્હી, પાકિસ્તાની ક્રિકેટરોને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની તક નથી મળતી. જેથી તેને લઈને પાકિસ્તાની ક્રિકેટરોની હતાશા સામે આવતી રહેતી હોય છે. આ કડીમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીની પણ અકળામણ સામે આવી છે. તેણે કહ્યું છે કે જ્યાં સુધી ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર રહેશે ત્યાં સુધી ભારત અને પાકિસ્તાનની વચ્ચે બાઇલેટ્રલ સીરીઝ નહીં યોજાઈ શકે.
આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે પાકિસ્તાની ક્રિકેટર આઈપીએલને મિસ કરી રહ્યા છે. આફ્રિદીના જણાવ્યા મુજબ પાકિસ્તાની યુવા ક્રિકેટરોને આ લીગમાં રમવાથી ઘણો ફાયદો થાત. અરબ ન્યૂઝ સાથે વાતચીત કરતાં શાહિદ આફ્રિદીએ કહ્યું કે, પાકિસ્તાનની સરકાર હંમેશા ભારત સાથે ક્રિકેટ રમાડવા માટે તૈયાર છે.
પરંતુ ભારતમાં હાલની સરકાર છે ત્યાં સુધી બંને દેશો વચ્ચે ક્રિકેટની કોઈ આશા નથી. જ્યાં સુધી મોદી સત્તામાં રહેશે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ બાઇલેટ્રલ સીરીઝ નહીં યોજાઈ શકે. શાહિદ આફ્રિદીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગ આઇપીએલમાં ન રમવાના કારણે ઘણું નુકસાન ભોગવી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ગત ૧૩ વર્ષથી કોઈ ટેસ્ટ સીરીઝ નથી રમાઈ. છેલ્લી વાર બંને દેશોની વચ્ચે વર્ષ ૨૦૦૭માં સીરીઝ રમાઈ હતી. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝને ભારતે ૧-૦થી જીતી હતી. આ ઉપરાંત બંને ટીમોની વચ્ચે સાત વર્ષથી કોઈ વનડે બાઇલેટ્રલ સીરીઝ નથી રમાઈ. વર્ષ ૨૦૧૩માં પાકિસ્તાને ભારતનો પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાને તે સીરીઝમાં ૨-૧થી જીત નોંધાવી હતી.
નોંધનીય છે કે, પીસીબીના ચેરમેન એહસાન મનીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે બંને દેશોની વચ્ચે સીરીઝ કરાવવાને લઈ ગત થોડા વર્ષોમાં બીસીસીઆઇની સાથે અનેકવાર ચર્ચા થઈ ચૂકી છે, તે ટી-૨૦ હોય કે પછી બાઇલેટ્રલ સીરીઝ પરંતુ કોઈ પણ મુદ્દે અત્યાર સુધી કોઈ વાત આગળ વધી નથી શકી.