વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો 15 ઓક્ટોબરે
ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આઈસીસીએ મંગળવારે મુંબઈમાં એક મીડિયા બ્રીફિંગમાં વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ ઈવેન્ટમાં BCCI સેક્રેટરી જય શાહ અને શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન પહોંચ્યા હતા.
46 દિવસીય ક્રિકેટ મહાકુંભની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝિલેન્ડ મેચ સાથે થશે જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે. તેમજ એશિયાના સૌથી મોટા હરીફ ભારત અને પાકિસ્તાન 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે.
વર્લ્ડ કપ 2023 સામે 12 શહેરોમાં રમાઈ શકે છે. અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), બેંગલુરુ (એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ), ચેન્નાઈ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ), દિલ્હી (અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ), ધર્મશાલા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ), ગુવાહાટી (આસામ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ), હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ઉપ્પલ), કોલકાતા (ઈડન ગાર્ડન્સ), લખનૌ (એકાના ક્રિકેટ સ્ટેડિયમ), ઈન્દોર (હોલ્કર સ્ટેડિયમ), મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) અને રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ).
આ ટુર્નામેન્ટ 46 દિવસ ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચો રમાશે. ભારત પ્રથમ વખત સમગ્ર વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. અગાઉ, ભારત તેના પડોશી દેશો સાથે આ મેગા ટુર્નામેન્ટનું આયોજન કરી ચૂક્યું છે.
આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. યજમાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ 2023 ODI વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થયા છે. હવે બાકીની બે ટીમો ક્વોલિફાયર રાઉન્ડમાંથી આવશે.