Western Times News

Gujarati News

ભારતે સ્વિત્ઝરલેન્ડમાં યુક્રેન શાંતિ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કર્યો

ભારતે આ બધુ પોતાના મિત્ર રશિયા માટે કર્યું છે. ભારતનું આ પગલું જોઈને પાકિસ્તાન અને ચીનને પણ એવું લાગ્યું હશે કે તેઓએ પણ આવું જ કરવું જોઈતું હતું

ભારતની રાજદ્વારી મોરચે કુશળતા, યુક્રેન પીસ સમિટમાં સામેલ પણ રશિયા માટેની તરફેણ કરી

દુનિયાની વાત પણ મિત્રતાની લાજ પણ…

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી જારી યુદ્ધ અને વૈશ્વિક દુવિધાની સ્થિતિ વચ્ચે ભારતે એવી ચાલ રમી છે કે ચીન અને પાકિસ્તાન દંગ રહી ગયા છે અને ચોંકી ગયા છે. ભારતે રાજદ્વારી મોરચે તેની કુશળતા ફરી દર્શાવી છે. ભારતે દુનિયાની વાત પણ કરી છે અને સાચી અને વિશ્વાસ પર આધારિત મિત્રતાની લાજ પણ રાખી લીધી છે. ભારતે સ્વિત્ઝરલેન્ડ માં યુક્રેન શાંતિ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કર્યો છે. ભારતે આ બધુ પોતાના મિત્ર રશિયા માટે કર્યું છે.

ભારતનું આ પગલું જોઈને પાકિસ્તાન અને ચીનને પણ એવું લાગ્યું હશે કે તેઓએ પણ આવું જ કરવું જોઈતું હતું. વાસ્તવમાં ભારતે યુક્રેન પીસ સમિટમાં ભાગ લીધો હતો પરંતુ તેણે રશિયાની હાજરી માટે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.

ભારત અને રશિયાની મિત્રતા કાંઈ એમ જ એટલી મજબૂત નથી. યુક્રેન પીસ સમિટમાં ભારતે જે રીતની ચાલ રમી છે તેના કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિન પણ ખુશ થઈ જશે. ભારત કોઈ પણ યુદ્ધમાં શાંતિના પક્ષમાં રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ ભારતનું વલણ આ જ રહ્યું છે. પરંતુ ભારતે સ્વિત્ઝરલેન્ડમાં યુક્રેન શાંતિ દસ્તાવેજ પર હસ્તાક્ષર ન કરતાં સમગ્ર વિશ્વ ચોંકી ઉઠયું હતું. ભારતે આ પગલું એ વખતે ભર્યું છે

જ્યારે વિશ્વના ૮૦થી વધુ દેશોએ આ શાંતિ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત પોતાના મિત્ર દેશ રશિયા સાથે કોઈ વિશ્વાસઘાત કરવા તૈયાર નથી. ભારત આ શાંતિ દસ્તાવેજની વિરૂદ્ધ નથી પરંતુ તેના પર હસ્તાક્ષર ન કરવાનું એકમાત્ર કારણ રશિયા છે. ભારત ઈચ્છે છે કે કોઈપણ શાંતિપૂર્ણ ઉકેલ માટે બન્ને પક્ષો એટલે કે રશિયા અને યુક્રેન એક મંચ પર હોવા જરૂરી છે. ઉપરાંત બન્નેનો અભિપ્રાય મહત્ત્વપૂર્ણ છે.

વાસ્તવમાં સ્વિત્ઝરલેન્ડમાં યુક્રેન પીસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિ માટે ભારત સહિત કેટલાક દેશોએ શાંતિ દસ્તાવેજ ધરાવતા સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા નથી. ભારતે સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે રશિયા અને યુક્રેન વચ્ચે પ્રામાણિક અને વ્યવહારું ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. ભારત માને છે કે, કોઈ પણ શાંતિ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતાં પહેલાં બન્ને પક્ષોની ભાગીદારી અને અભિપ્રાય જરૂરી છે.

ભારતે કહ્યું કે, શાંતિ માટે તમામ હિતધારકોને સાથે લાવવા જરૂરી છે. આ જ કારણ છે કે ભારતે સમિટમાંથી જારી કરાયેલા કોઈપણ સંયુક્ત નિવેદન અથવા શાંતિ દસ્તાવેજથી પોતાને દૂર રાખવાનો નિર્ણય કર્યો હતો.

હવે સવાલ એ થાય છે કે, ભારતે આ વલણ કેમ અપનાવ્યું ? તો તેનું સૌથી મોટું કારણ ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા છે. ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ એકપક્ષીય રીતે નહીં કારણ કે, યુક્રેન પીસ સમિટમાં રશિયાને સામેલ કરવામાં આવ્યું ન હતું. આ કારણોસર ભારતે આ વલણ અપનાવવું પડયું. ભારત ઈચ્છે છે કે કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં રશિયા અને યુક્રેન એક મંચ પર આવે તે જરૂરી છે.

જેથી વિશ્વ બન્ને પક્ષોને સાંભળે અને પોતાનો અભિપ્રાય અથવા સર્વસંમતિ બનાવે. રિપોર્ટ અનુસાર આ સમિટમાં રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જો કે, તેમાં ભાગ લેવા માટે ચીન અને પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ પાકિસ્તાન અને ચીને સ્વિત્ઝરલેન્ડ સમિટમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ ભારત આ મામલે ચીન અને પાકિસ્તાન કરતાં એક ડગલું આગળ નીકળી ગયું છે.

જો ભારત પણ ઈચ્છતું હોત તો રશિયા સાથે મિત્રતા ખાતર પાકિસ્તાન અને ચીનની જેમ યુક્રેન પીસ સમિટથી દૂર રહી શકયું હોત પરંતુ ભારતે વિશ્વનું સન્માન અને મિત્રતાનું સન્માન પણ રાખ્યું છે. જ્યારે પણ શાંતિની વાત થાય છે ત્યારે દુનિયા ભારત તરફ જુએ છે. આવી સ્થિતિમાં મોદીએ તે પરંપરા જાળવી રાખી અને તેમના વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) પવન કપૂરને શાંતિની હિમાયત કરતી આ સમિટમાં મોકલ્યા.

ભારતના સ્ટેન્ડથી રશિયા નારાજ થઈ શકયું હોત પરંતુ ભારત યુક્રેનમાં શાંતિ દસ્તાવેજ પર હસ્તાક્ષર નહીં કરે તેનાથી રશિયા ખૂબ જ ખુશ થશે. બીજી તરફ પાકિસ્તાન અને ચીન કદાચ અફસોસ કરી રહ્યા છે કે તેઓ ઈચ્છે કે તેઓએ પણ ભારત જેવું વલણ અપનાવ્યું હોત.

મોદી સરકારે સ્વિત્ઝરલેન્ડ જઈને યુક્રેનના શાંતિ દસ્તાવેજ પર સહી ન કરીને એક કાંકરે બે પક્ષી માર્યા છે. સૌપ્રથમ તો શાંતિ સમિટમાં જઈને તેણે વિશ્વની સામે શાંતિ નિર્માતા તરીકેની પોતાની છબિ જાળવી રાખી છે. બીજું, ભારતે રશિયા સાથેની મિત્રતાનું સન્માન પણ રાખ્યું છે. યુક્રેન પીસ સમિટમાં ભાગ ન લેવાથી પાકિસ્તાન અને ચીન દુનિયાના ધ્યાન પર આવ્યા છે પરંતુ ભારતે માત્ર સમિટમાં ભાગ લીધો ન હતો પરંતુ તેનું સ્ટેન્ડ પણ મજબૂતીથી રજૂ કર્યું હતું.

પુટિન આનાથી ચોક્કસપણે ખુશ થશે. હકીકતમાં વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) પવન કપૂરે સ્વિત્ઝરલેન્ડના સ્વિસ રિસોર્ટ બર્ગેનસ્ટોકમાં આયોજિત સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સમિટમાં ૧૦૦થી વધુ દેશો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો જેમાં ઘણાં રાજ્યોના વડાઓ પણ સામેલ હતા.

સમિટમાં ભારતના વરિષ્ઠ રાજદ્વારીએ કહ્યું કે, શાંતિ સમિટમાં ભારતની ભાગીદારી અને યુક્રેનની શાંતિ ફોર્મ્યુલા પર આધારિત વરિષ્ઠ અધિકારીઓની અગાઉની કેટલીક બેઠકો અમારા સ્પષ્ટ અને સાતત્યપૂર્ણ દૃષ્ટિકોણને અનુરૂપ છે કે સ્થાયી શાંતિ માત્ર વાતચીત અને કૂટનીતિથી જ હાંસલ કરી શકાય છે. રવિવારે સમિટનું સમાપન થયું હતું.

તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ શાંતિ પ્રક્રિયાને પ્રેરણા આપવાનો હતો. રશિયાને સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું જ્યારે ચીને ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય પ્રતિનિધિમંડળે સમિટના ઉદ્દઘાટન અને સમાપન સત્રમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે સ્વિત્ઝરલેન્ડમાં ૮૩ દેશો અને સંગઠનોએ યુક્રેનમાં શાંતિ પર ઉચ્ચ સ્તરીય પરિષદના અંતે સંયુક્ત નિવેદનને મંજૂરી આપી હતી.

ભારતે દલીલ શું કરી-ભારતીય વિદેશી મંત્રાલયે કહ્યું કે, ભારતે આ સમિટમાંથી જારી કરાયેલા કોઈ પણ સંવાદ કે દસ્તાવેજ સાથે પોતાને સાંકળ્યું નથી. કોન્ફરન્સમાં ભારતની સહભાગીતા, તેમજ યુક્રેનની શાંતિ મંત્રણા પર આધારિત અગાઉની એનએસએ અથવા રાજકીય નિર્દેશક સ્તરની બેઠકોમાં ભાગીદારી, સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષના સ્થાયી અને શાંતિપૂર્ણ નિરાકરણને સરળ બનાવવાના અમારા સતત વિઝનને અનુરૂપ છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત માને છે કે આવા ઉકેલ માટે સંઘર્ષમાં સામેલ બન્ને પક્ષો વચ્ચે પ્રામાણિક અને વ્યવહારું ભાગીદારીની જરૂર છે. આ સંદર્ભમાં ભારત તમામ હિતધારકો તેમજ બન્ને પક્ષો સાથે જોડાણ કરવાનું ચાલુ રાખશે, જેથી વહેલી અને સથાયી શાંતિ લાવવાના તમામ ગંભીર પ્રયાસોમાં યોગદાન આપી શકાય.

રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ જારી છે. બન્ને પક્ષોને અભૂતપૂર્વ નુકસાન થયું છે પરંતુ જિદ્દી વલણન કારણે આ યુદ્ધ લાંબુ ખેંચાઈ રહ્યું છે. અમેરિકા સહિત દુનિયાના દેશો યુદ્ધનો અંત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે પરંતુ યુદ્ધ જારી છે. બન્ને દેશો પોતપોતાની શરતો મૂકી રહ્યા છે જેથી યુદ્ધનો અંત આવી રહ્યો નથી.
રશિયાના રાષ્ટ્રપતિ પુટિને કહ્યું છે કે, જો યુક્રેન તેના કબજાવાળા વિસ્તારોમાંથી જવાનોને ખસેડી લેશે અને નાટોના મહત્ત્વકાંક્ષી વલણથી બહાર નીકળશે

તો યુદ્ધવિરામ થઈ શકે છે. બીજી બાજુ હાલમાં જી-૭ શિખર બેઠકમાં ઈટાલીમાં તમામ દેશો જી-૭ના મળ્યા હતા જેમાં યુદ્ધનો અંત લાવવાના પાસા પર ચર્ચા થઈ હતી. ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિએ ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ સાથે વાત કરી હતી. ભારત અને રશિયા વચ્ચેના સંબંધ ખૂબ મજબૂત રહેલા છે ત્યારે દુનિયાના દેશો ભારત પાસેથી વધુ આશા રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.