Western Times News

Gujarati News

આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની રશિયાની ખાતરી

File Photo

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી -ભારત આવવાનું મોદીનું આમંત્રણ પુતિને સ્વીકાર્યું

(એજન્સી)નવી દિલ્હી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યું કે, પહલગામના ગુનેગારોને સજા મળવી જોઈએ. પુતિને પીએમ મોદીને ફોન કર્યો અને ભારતના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી.

તેમણે નિર્દોષ લોકોના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. વિદેશ મંત્રાલયે સોમવારે આ માહિતી આપી હતી.

પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ જઘન્ય હુમલાના ગુનેગારો અને તેમના સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને વિજય દિવસની ૮૦મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા અને તેમને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી વાર્ષિક સમિટમાં આમંત્રણ આપ્યું હતું. આ પહેલા રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે પહલગામ આતંકવાદી હુમલા અંગે એસ જયશંકર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી હતી.

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક યોજાવાની છે. પાકિસ્તાને આ મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી હતી.

પાકિસ્તાની રાજદૂત ગયા અઠવાડિયે ગુટેરેસને મળ્યા હતા અને તેમને પ્રદેશની સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક નિર્ણયો લીધા છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી સરહદ બંધ કરવી અને રાજદ્વારી સંબંધો મર્યાદિત કરવા શામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.